નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ 5મી જૂને બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી. આ પહેલાં મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું.
નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. NDAના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. JDUના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું કે 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના તમામ સાંસદોની બેઠક થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે.
બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે NDA ગઠબંધનને 292 બેઠકો મળી છે જે બહુમતીના આંકડાની પાર છે. ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે NDAમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.