સુરત: ફ્રાન્સના કેન્સ શહેરમાં ચાલી રહેલા 77મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાંથી અલગ-અલગ ભાષાની 12 ફિલ્મોનું સિલેક્શન કરાયું હતું. જેમાં સુરતના ગાંગાણી મોશન પિક્ચરની ગુજરાતી ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’નું સિલેક્શન થયું છે. આ ફિલ્મના લેખક, દિગ્દર્શક, નિર્માતા જશવંત ગાંગાણી સુરતના છે. ફિલ્મનું શૂટિંગ પણ સુરતમાં જ થયુ છે. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 15મી મેથી 25મી મે સુધી ચાલશે. જશવંત ગાંગાણી ચિત્રલેખા.કોમને કહે છે, “આ ઘટના મારી સાથે જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. આ ફિલ્મનો વિષય જ કેન્સમાં પસંદગીનું મુખ્ય કારણ છે.” શું છે ફિલ્મની સ્ટોરી: આજની બીઝી લાઈફમાં પતિ-પત્નીની વચ્ચે સ્પર્ધા ચાલતી હોય છે કે કોણ વધારે કમાય અને એ કારણે એમના બાળકનું બાળપણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બાળકને જ્યારે ખબર પડે છે કે મારા દાદી હતા અને એમના પ્રેમથી વંચિત રહેવાનું કારણ મારા માતા-પિતા છે. એટલે બાળક પોતાના દાદા-દાદીનું શોધમાં નીકળી પડે છે અને પોતાના માતા પિતા પર કેસ કરે છે કે તમારા લીધે હું દાદા-દાદીનો પ્રેમ ન પામી શક્યો.
(અરવિંદ ગોંડલિયા – સુરત)