સુનિતા વિલિયમ્સનના પરત ફરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું આપી પ્રતિક્રિયા?

અમેરિકા: અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના બાદ વાપસી થઈ છે. બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ દ્વારા ધરતી પર ઉતર્યા છે. સુનિતાના ધરતી પર પરત ફરવાનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે. હવે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ આ વિશે નિવેદન સામે આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મીડિયાને કહ્યું કે, ‘રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જ્યારે હું ઓફિસમાં આવ્યો તો મેં ઈલોન મસ્કને કહ્યું કે, આપણે સુનિતા અને બુચ વિલ્મોરને પરત લાવવા પડશે. પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બાઇડેને તેમને છોડી દીધા છે. હવે તેઓ પરત આવી ગયાં છે. તેમને થોડું સ્વસ્થ થવું પડશે અને બાદમાં તે ઓવલ ઓફિસ (રાષ્ટ્ર પ્રમુખની ઓફિસ)માં આવશે.’

આ પહેલાં વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખવામાં આવ્યું હતું કે, ‘જે વચન આપ્યું હતું, તે પૂરૂ કર્યું. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેમનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ચુક્યું છે. ઈલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.’