જાણીતા લેખક, નાટ્યસમીક્ષક ઉત્પલ ભાયાણી (66)નું મુંબઈમાં નિધન

મુંબઈ – જાણીતા વાર્તાલેખક, નાટ્યસમીક્ષક, કટારલેખક, અનુવાદક તથા ઈમેજ પબ્લિકેશન્સના સ્થાપક સભ્યોમાંના એક, ઉત્પલ ભાયાણીનું હૃદયરોગના હુમલાને લીધે આજે સવારે અત્રે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. આજે સાંજે વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં ઉત્પલભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉત્પલ ભાયાણી લિખિત ટૂંકી વાર્તાઓના સંગ્રહનું પુસ્તક ‘ખતવણી’ વાચકોમાં ખૂબ પ્રિય થયું છે. એ પુસ્તકને 1995માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.

1953ની 10 ઓક્ટોબરે કેરળના કાલિકટ શહેરમાં જન્મેલા ઉત્પલભાઈએ 1976માં મુંબઈમાં ‘જન્મભૂમિ’ જૂથનાં અખબારોમાં લેખનવૃત્તિ શરૂ કરી હતી. તેઓ દર રવિવારે પ્રકાશિત થતા ‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાં સાપ્તાહિક કોલમ ‘ચહેરા-મહોરા’ લખતા હતા જે ખાસ્સી એવી લોકપ્રિય થઈ હતી. એ કોલમ તેમણે 41 વર્ષ સુધી ચલાવી હતી.

બાદમાં, એમણે ‘રંગભૂમિ’ નામે એક પુસ્તક લખ્યું હતું જે એમણે જન્મભૂમિ-પ્રવાસીમાં રંગભૂમિ વિશે લખેલી કોલમોનો સંગ્રહ છે.

ઉત્પલભાઈ જાણીતા ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક અને અનુવાદક હરિવલ્લભ ભાયાણીના પુત્ર હતા. એમનો પરિવાર ભાવનગર જિલ્લાના મહુવાનો વતની હતો. ઉત્પલભાઈએ માસ્ટર ઓફ કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા હતા અને એને જ પોતાના વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. સાહિત્યક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ હરિવલ્લભ ભાયાણી – ઉત્પલ ભાયાણીને આપવામાં આવ્યો હતો. પિતા-પુત્રની જોડીએ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો આવો એવોર્ડ જીત્યો હોય એવો એ પહેલો જ પ્રસંગ હતો.

ઉત્પલ ભાયાણીએ નાટકો વિશે અનેક અખબારોમાં લેખો પણ લખ્યાં હતા.


‘ચિત્રલેખા’એ વર્ષ ૨૦૧૫માં તેના ‘૬૫મા વાર્ષિક વિશેષાંક’ની સાથે એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી હતી – ‘૬૫ ગૌરવવંતા ગુજરાતી’. એ પૂર્તિમાં ઉત્પલ ભાયાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એ લેખ અહીં ફરી પ્રસ્તુત કરીએ છીએઃ

ઉત્પલ ભાયાણી અને સુરેશ દલાલ

રંગભૂમિના અદના ઈતિહાસકાર – ઉત્પલ ભાયાણી (નાટ્યસમીક્ષક અને વાર્તાકાર)

ઉત્પલ શબ્દનો અર્થ થાય કમળ, પહ્મ, પુષ્પ, પણ એમણે જે કામ સહર્ષ સ્વીકાર્યું છે એમાં કમળપૂજા કરતાં વિશેષ તો વમળપૂજા સંકળાયેલી છે.

નાટ્યસમીક્ષા અને ઉત્પલ ભાયાણી એ બન્ને સાથેસાથે જતાં અલગઅલગ શબ્દો છે. જી હાં, નાટ્યસમીક્ષક તરીકે રૅર કહી શકાય એવી એમની કટાર ૧૯૭૬થી પ્રગટ થાય છે. દર રવિવારે ‘જન્મભૂમિ પ્રવાસી’માં ‘ચહેરા-મહોરા’ કટાર વાંચીને કેટલાય રસિકો નાટક જોવું કે ન જોવું એનો નિર્ણય કરતા હોય છે. સારું છે એને બિરદાવવું અને નરસું છે એનું પોસ્ટમોર્ટમ કરવાની આ પ્રવૃત્તિ સમર્પિત સજ્જતા અને તટસ્થ સમજ માગી લે છે.

ગુજરાતીમાં જ નહીં, દેશભરમાં આવી વિશિષ્ટ પ્રકારની કટાર લખતા વિરલ લેખકોને એલઈડી ટોર્ચ લઈને શોધવા બેસીએ તો નિરાશ થવું પડે.

ભારતની કોઈ પણ ભાષામાં ન થયું હોય એવું ડ્રામા-ડોક્યુમેન્ટેશનનું કામ ઉત્પલભાઈએ કર્યું છે. માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી જેવી ઈતર ભાષામાં રંગભૂમિ પર ભજવાયેલી નામી-અનામી કૃતિના અવલોકનો અને યથાયોગ્ય સંદર્ભો એક સુરેખ તવારીખ રચી આપે છે.

નાટ્યવિવેચનને ગ્રંથસ્થ કરતાં પ્રેક્ષા, નાટકનો જીવ, સામાજિક નાટક, એક નૂતન ઉન્મેષ: વિજય તેંડુલકર, દેશવિદેશની રંગભૂમિ, નાટ્યવિહાર, નાટ્યગોષ્ઠિ તથા નાટ્યમસમીક્ષાનો સમાવેશ કરતાં દ્રશ્યફલક, તર્જની સંકેત, સંગભૂમિ, નાટ્યસૃષ્ટિ પુસ્તકોમાં ભજવાતાં નાટકની તવારીખ સચવાઈ છે. ૨૦૦૩થી અત્યાર સુધી રંગભૂમિને આવરતા એમનું લેખોનું પુસ્તક દર વરસે પ્રગટ થતું રહ્યું છે.

આ બધા પુસ્તકોની અનુક્રમણિકા વાંચો તો થાય કે કેટલા બધા નાટક વિશે તો આપણને ખબર જ નથી. એમાં બીજા અફસોસ ઉમેરાય કે કેટલા બધા તો આપણે જોયા જ નથી. ‘પૃથ્વી’, ‘એનસીપીએ’ કે ‘META’ જેવા પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાંથી એમણે નાટ્યમહોરો ઉપાડી નાટ્યરસિકોને આંગિકમ કર્યું છે.

એમણે વિવિધ પ્રતિષ્ઠિત નાટ્યસ્પર્ધાઓમાં જજ તરીકે સેવા આપી છે. એમ.એસ. યુનિવર્સિટી, એસ.એન.ડી.ટી જેવા શૈક્ષણિક સંસ્થાનોમાં વકતવ્યો આપ્યા છે. પીટર બ્રુક્સના મહાભારત નાટકનો અનુવાદ કર્યો છે. સાહિત્ય અકાદમી માટે આધુનિક ગુજરાતી એકાંકીઓનું સંપાદન કર્યું છે.

એમના વાર્તાસંગ્રહ ‘નિમજ્જન, ‘હલો!’, ‘ખતવણી’ અને ‘વહી-વટ’ વિશિષ્ટ વાર્તાશૈલીનો પરિચય કરાવે છે. ‘ખતવણી’ વાર્તાસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદના ‘રમણલાલ પાઠક પારિતોષિક’ તથા ‘ધૂમકેતુ’ પુરસ્કારોથી નવાજવામાં આવ્યો છે.

‘ઈમેજ બુક કલ્ચર ટ્રસ્ટ’, ‘પરિચય ટ્રસ્ટ’, ‘હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ’, ‘ફાર્બસ ગુજરાતી સભા’, ‘શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ’માં ટ્રસ્ટી તરીકે તથા ‘શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ’માં ઓડિટર તરીકે ઉત્પલભાઈ સક્રિય છે. તો ખ્યાતનામ પ્રતિષ્ઠિત શિક્ષણગૃહ ‘શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ’માં એ ટ્રેઝરર તરીકે સેવા આપે છે.

વ્યવસાયે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, કલમે વાર્તાકાર તથા નાટ્યવિવેચક, નિસ્બતે સુરેશ દલાલ સાથેની અંતરંગ મૈત્રીને ‘ઈમેજ પબ્લિકેશન્સ’ના માધ્યમથી વિસ્તારી સાહિત્યના સરવૈયાને સુખ‚રૂપ બનાવનાર આ ‘નાટકનો જીવ’ નીરક્ષીરનો ભેદ બરાબર ઉજાગર કરી જાણે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]