મુંબઈ: 1990ના દાયકામાં મુંબઈમાંથી પોતાની અંધારી આલમની પ્રવૃત્તિઓનું સંચાલન કરનાર અન્ડરવર્લ્ડ ગેંગસ્ટર રવિ પૂજારીની આફ્રિકા ખંડના દેશ સેનેગલમાં ધરપકડ કરાયા બાદ એનું ભારતને પ્રત્યાર્પણ કરી દેવામાં આવ્યું છે અને એને ગઈ કાલે મોડી રાતે બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.
કર્ણાટકના સિનિયર પોલીસ અધિકારીઓ સાથેની એક ટૂકડી એને સેનેગલમાંથી બેંગલુરુ લઈ આવી છે.
કર્ણાટક સહિત દેશના જુદા જુદા ભાગોમાં ધાકધમકીથી પૈસા પડાવવા અને હત્યા જેવા ઘણા કેસોમાં પૂજારી સંડોવાયેલો છે અને તે 15 વર્ષથી ફરાર હતો.
કર્ણાટકમાં 90 જેટલા કેસોમાં એ વોન્ટેડ હતો, આમાંના 25 કેસ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ખંડણીને લગતા 70 વધારે કેસ રવિ પૂજારી સામે નોંધવામાં આવ્યા છે.
પોતાની સોંપણી ભારતને કરવાના સેનેગલની નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીને સેનેગલની સુપ્રીમ કોર્ટે ગયા બુધવારે નકારી કાઢી હતી.
સેનેગલમાં પૂજારીની ધરપકડ કરાઈ ત્યારે એની પાસે બુર્કિના ફાસોનો પાસપોર્ટ હતો અને એમાં તેણે એન્થની ફર્નાન્ડિસ તરીકે પોતાનું ખોટું નામ આપ્યું હતું.
રવિ પૂજારી કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજનનો સાગરિત છે. છોટા રાજન હત્યા સહિતના કેસોમાં હાલ નવી મુંબઈની એક જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે. આ બંને જણ 2001માં છૂટા પડ્યા હતા.
2018માં, આંદોલનકારીઓ ઉમર ખાલીદ, શેહલા રશીદ અને દલિત નેતા તથા ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીને પૂજારી તરફથી હત્યાની ધમકી આપવામાં આવી હોવાનું કહેવાય છે.
રવિ પૂજારી 2009થી 2013 વચ્ચેના સમયગાળામાં બોલીવૂડની અનેક હસ્તીઓને પૈસા માટે ધમકી આપતો હોવાનું કહેવાય છે.
