મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસનું CM ઠાકરે દ્વારા લોકાર્પણ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ કંપની (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ની સિટી બસ સેવા માટે ટાટા મોટર્સ દ્વારા નિર્મિત 26 ઈલેક્ટિક એરકન્ડિશન્ડ બસોનું આજે લોકાર્પણ કર્યું હતું. મુંબઈ માટે આવી 340 બસ મળવાની છે. એના પહેલા ચરણની આ શરૂઆત થઈ છે. આ પ્રક્રિયાની શરૂઆત 2018માં કરવામાં આવી હતી.

25-સીટવાળી ટાટા અલ્ટ્રા અર્બન ઈલેક્ટ્રિક એરકન્ડિશન્ડ બસના લોકાર્પણ કાર્યક્રમ વખતે ઉદ્ધવ ઠાકરે સાથે રાજ્યના પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મુંબઈમાં ઈલેક્ટ્રિક પબ્લિક મોબિલિટી માટે શિવસેના પાર્ટી, તેના શાસન હેઠળની મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

લોકાર્પણ વિધિ સાથે બસને રવાના કરવાનો કાર્યક્રમ દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ બસોને ચાર્જ કરવા માટે બેકબે, વરલી, માલવણી અને શિવાજી નગર બસ ડેપો ખાતે સુવિધા ઉપલબ્ધ છે.  કેન્દ્ર સરકારે આદરેલી FAME 2 નીતિ અંતર્ગત મુંબઈને 340 ઈલેક્ટ્રિક બસ આપવામાં આવનાર છે.