કેરળથી આવેલા સાઈભક્તો માટે શિર્ડીમાં મફત રહેવા-જમવાની વ્યવસ્થા

શિર્ડી (મહારાષ્ટ્ર) – દક્ષિણના કેરળ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આજે વરસાદનું જોર નરમ પડ્યું છે અને તમામ 14 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ ચેતવણી પાછી ખેંચી લીધી છે, પરંતુ લાખો લોકો છેલ્લા અનેક દિવસોથી પૂરની આફતમાં ફસાઈ ગયા છે. લાખો લોકોને ઉગારીને સુરક્ષિત સ્થળોએ, રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. વરસાદી દુર્ઘટનાઓને કારણે રાજ્યમાં 350 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.

આ કુદરતી આફતમાં કેરળનાં લોકો માટે દેશભરમાંથી રાહત અને મદદનો ધોધ છૂટ્યો છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ શિર્ડી સ્થિત શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કેરળમાંથી જે સાઈ ભક્તો શિર્ડી આવ્યા છે એમને સંસ્થાન દ્વારા રહેવા તથા જમવાની મફત વ્યવસ્થા કરવામાં આવી છે.

સંસ્થાએ કેરળમાં પૂરમાં ફસાઈ ગયેલાઓની રાહત માટે પેકેજ્ડ ફૂડ તથા પીવાના પાણીની બોટલ્સનો મોટો જથ્થો મોકલાવ્યો છે તેમજ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ કેરળના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં સંસ્થા નોંધનીય રકમ દાનમાં આપશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં શિર્ડીમાં સાઈ ચરિત્ર પારાયણનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાંથી સાઈભક્તો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. કેરળમાં પૂરને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. વિમાન સેવાને પણ માઠી અસર પડી છે. કોચીમાં તો 26 ઓગસ્ટ સુધી એરપોર્ટ બંધ રાખવાનું નક્કી કરાયું છે. જે કેરળવાસી સાઈભક્તો એમના રાજ્યમાં વરસાદી આફત ત્રાટકી એ પહેલાં શિર્ડી આવ્યાં છે અને હાલતુરંત પાછા ફરી શકે એમ નથી એમને કેરળમાં પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી શિર્ડીમાં સાઈ સંસ્થાનમાં મફતમાં રહેવા દેવામાં આવશે અને એમને માટે જમવાની પણ મફત વ્યવસ્થા કરાઈ છે, એવું સાઈ સંસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સુરેશ હાવરેએ કહ્યું છે. કેરળમાંથી આશરે પાંચ હજાર જેટલા સાઈભક્તો શિર્ડી આવ્યાં હોવાની માહિતી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]