હું પરવાનગી લઈને પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં ગયો હતોઃ સિધુ

ચંડીગઢ – પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનેલા ઈમરાન ખાનના ઈસ્લામાબાદ ખાતે યોજાઈ ગયેલા શપથવિધિ સમારોહમાં હાજરી આપીને ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના પ્રધાન નવજોત સિંહ સિધુ આજે ભારત પાછા ફર્યા છે.

સિધુ પાકિસ્તાનની મુલાકાતે ગયા એમાં અમુક વિવાદો થયા છે. હરિયાણામાં ભાજપની સરકારના પ્રધાન અનિલ વિજે સિધુને ગદ્દાર કહ્યા છે તો ઈસ્લામાબાદમાં શપથવિધિ સમારોહ વખતે સિધુ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર બાજવાને ભેટ્યા એને કારણે ખુદ સિધુના જ બોસ, પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ નારાજ થયા છે.

જોકે સિધુએ પોતાના બચાવમાં કહ્યું છે કે હું પૂર્વ પરવાનગી લઈને પાકિસ્તાન ગયો હતો અને ત્યાં જઈને મેં દેશનો કોઈ નિયમ તોડ્યો નથી.

સિધુએ એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે બાજવા સાહેબ મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે એ પોતે ક્રિકેટર બનવા માગતા હતા. ક્રિકેટર બનવાનું એમનું સપનું હતું.

સિધુએ વધુમાં કહ્યું કે જનરલ બાજવાનું વર્તન ખૂબ જ ઉષ્માભર્યું હતું. એમણે મને કહ્યું કે, નવજોત, અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ. મને તો એ સાંભળીને બહુ ગમ્યું. તે પછી એમણે કહ્યું કે, તમે બાબા ગુરુ નાનકની 550મી જન્મજયંતી ક્યારે ઉજવવાના છો? અમે તમારા માટે કરતારપુર સાહિબ ગુરુદ્વારા આવવાનો રસ્તો ખુલ્લો કરીશું. મને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો હતો. મારું તો સપનું સાકાર થયું. મેં કહ્યું, સાહેબ, આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો છે. અને એ પછી મને ભેટ્યા અને કહ્યું કે આપણે હજી વધારે સારું કરીશું. એમની તે મુલાકાત બહુ જ સકારાત્મક હતી. જનરલ બાજવાને હું ભેટ્યો એને ખરાબ અર્થમાં કોઈએ લેવું ન જોઈએ.

સિધુએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાને મને જે પ્રેમ અને લાગણી બે દિવસમાં આપ્યા, એ મને મારી અત્યાર સુધીની જિંદગીમાં મળ્યા નહોતા. પાકિસ્તાને તો મને બધું જ આપી દીધું.