સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શહીદોનાં કુટુંબીજનોને સહાય

મુંબઈ – શહેરમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી જમ્મુ-કશ્મીરના પુલવામા વિસ્તારમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોનાં કુટુંબીજનોની મદદ અર્થે રૂ. 51 લાખની રકમનું દાન મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવ્યું છે.

સીઆરપીએફના અધિકારી સંજય લાટકરને ચેક સુપરત

મંદિર ટ્રસ્ટે આ ઉપરાંત મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનસામગ્રીઓની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાનું બીજું દાન પણ આપવામાં આવ્યું છે.

આ બંને દાનની રકમના ચેક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપરત કરવામાં આવ્યા હતા જે બાદમાં સંબંધિત વિભાગને સુપરત કરી દેવામાં આવ્યા હતા.

ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો માટે રૂ. 51 લાખની સહાયતાના દાનનો ચેક ઠાકરેને સુપરત કરવામાં આવ્યો એ વખતે સીઆરપીએફ માટેના પોલીસ અધિકારી સંજય લાટકર પણ ઉપસ્થિત હતા. ઠાકરેએ એ ચેક લાટકરને સુપરત કર્યો હતો.

એ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંદેકર તથા અન્ય સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને ચેક સુપરત

મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક ઉપકરણોની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાની રકમનો ચેક ઉદ્ધવ ઠાકરેના હસ્તે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને સુપરત કરવામાં આવ્યો હતો.