મુંબઈઃ અવિસ્મરણીય બની રહ્યો બોરીવલીની ‘GH હાઈસ્કૂલ’નો વિદ્યાર્થી મેળાવડો

મુંબઈ – બોરીવલી (પૂર્વ)ની ખૂબ જાણીતી એવી શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ (GH હાઈસ્કૂલ) દ્વારા તેના ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ માટે હાલમાં જ એક વિશાળ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું – ‘મેળાવડો મોજ મસ્તીનો.’

આ ‘ગ્રાન્ડ GH ગ્લોબલ રીયુનિયન’ કાર્યક્રમમાં શાળાનાં દેશ-વિદેશમાંથી 7000 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તેથી કાર્યક્રમ અભૂતપૂર્વ બની રહ્યો હતો.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે પ્રતિસાદ આપ્યો હતો એનાથી શાળાનાં સંચાલકો આનંદિત અને આશ્ચર્યચકિત થયા છે.

કોઈ મોટા ધાર્મિક ઉત્સવ વખતે જેવું વાતાવરણ હોય છે એવાં દ્રશ્યો પાંચમી જાન્યુઆરીએ બોરીવલી પૂર્વમાં જોવા મળ્યા હતા. શાળાના પ્રાંગણથી એક કિલોમીટર દૂરથી જ વિદ્યાર્થીઓ ઢોલ વગાડતાં અને નાચતાં-કૂદતાં શાળાએ પહોંચતાં જોવા મળ્યા હતા.

શેઠ ગોપાલજી હેમરાજ શાળા 80 વર્ષ જૂની છે, જેની સ્થાપના ભારતની આઝાદી પૂર્વે, 1934માં કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જૂનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણા ભૂતપૂર્વ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાં મિત્રો એકબીજાંને મળ્યા તેથી એમની જૂની યાદ તાજી થઈ, ઘણાંની આંખો ભીની પણ થઈ. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો વિદેશથી આવ્યા હતા. વિદ્યાર્થીવયે પોતાને શિસ્ત શિખવવાની સાથે જ્ઞાન પૂરું પાડનાર શિક્ષકોને મળીને વિદ્યાર્થીઓ ગર્વની લાગણી મહેસૂસ કરતા હતા અને પોતાના શેષ જીવનમાં પણ એમના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના આજે કોઈક ડોક્ટર છે તો કોઈક એન્જિનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક, બિઝનેસમેન જેવા જુદા જુદા વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. આ સૌ એક મંચ પર ભેગા થયા હતા.

કાર્યક્રમમાં શાળાનાં વર્તમાન ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉંમરલાયક શિક્ષકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે વ્હીલચેર, વોકર, ઓક્સિજનનાં બાટલા અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.