‘ફ્રી કશ્મીર’ પોસ્ટરવાળી છોકરીના ઈરાદાની ચકાસણી કરવી પડશે: આદિત્ય ઠાકરે

મુંબઈ – નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર ગયા રવિવારે સાંજે કરવામાં આવેલા હુમલા સામેના વિરોધમાં ગઈ કાલે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કરવામાં આવેલા દેખાવો વખતે એક છોકરીએ બતાવેલા ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડને લીધે થયેલા વિવાદ વિશે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ફ્રી કશ્મીર પોસ્ટરવાળી તે ઘટનાને બહોળા સ્વરૂપમાં જોવી પડશે, હા આપણે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે કે શું એ કશ્મીરમાં લાદવામાં આવેલી ઈન્ટરનેટ નાકાબંધી હટાવવાનું કહેતી હતી? અથવા જો એનો ઈરાદો કશ્મીરને ભારતથી અલગ કરવાનો હોય તો એ ખોટું છે. દેખીતી રીતે જ, દરેક જણે એને વખોડી કાઢ્યું છે, ગેટવે ઓફ ઈન્ડિયા પરના દેખાવકારોએ પણ એને સમર્થન આપ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાતે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજવામાં આવેલા દેખાવ દરમિયાન તે અજાણી છોકરી હાથમાં પ્લેકાર્ડ દર્શાવતી ઊભી હતી, જેની પર અંગ્રેજીમાં લખ્યું હતું, ‘ફ્રી કશ્મીર’.

યુવતીએ પોસ્ટર વિશે ખુલાસો કર્યો

ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં મહેક મિરઝા પ્રભુ નામની એ યુવતીએ કહ્યું કે એણે બતાવેલું પોસ્ટર છ મહિનાથી અભૂતપૂર્વ નિયંત્રણો હેઠળ નજરકેદ કરવામાં આવેલા કશ્મીરી લોકોનાં મૂળભૂત માનવ અધિકારોની માગણીને લગતું છે.

પોતાના એ પોસ્ટરને કારણે થયેલા વિવાદ અંગે એ યુવતીએ ખુલાસો કરતો એક વિડિયો પોતાનાં ફેસબુક પેજ પર રિલીઝ કર્યો છે. એમાં તેણે કહ્યું છે કે પોતે કશ્મીરની રહેવાસી નથી, પરંતુ મહારાષ્ટ્રિયન અને મુંબઈમાં જન્મેલી છે અને લેખિકા છે. એણે એમ પણ કહ્યું છે કે પોસ્ટર બતાવવા પાછળ એનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. ‘મારા પોસ્ટર મામલે ઘણી ગેરસમજ થઈ છે. ફ્રી કશ્મીર અંગે મારા કહેવાનો અર્થ હતો, કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પ્રસ્થાપિત કરો.’

છોકરીએ બતાવેલા પોસ્ટરને કારણે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાતે જ ટ્વીટ કર્યું હતું અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને કહ્યું હતું કે મુંબઈમાં આ પ્રકારના ભાગલાવાદી તત્ત્વોને કેવી રીતે ચલાવી લેવાય? આઝાદી ગેંગે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)થી માત્ર બે કિલોમીટર દૂરના અંતરે ‘ફ્રી કશ્મીર’ના નારા લગાવ્યા? ઉદ્ધવજી, તમારા નાક નીચે થયેલા ફ્રી કશ્મીના ભારતવિરોધી પ્રચારને શું ચલાવી લેવાના છો?