સચીન તેંડુલકરની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ, આદિત્ય ઠાકરેની સુરક્ષા અપગ્રેડ કરાઈ

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે 45 જેટલા નામાંકિત નાગરિકો અને નેતાઓને સરકાર તરફથી પૂરા પાડવામાં આવતા સુરક્ષા કવચ અંગે ફેરવિચારણા કરી છે અને દંતકથાસમાન ક્રિકેટર તથા ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકરની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે.

જ્યારે શિવસેનાનાં વિધાનસભ્ય આદિત્ય ઠાકરેને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરીને એને હવે ‘Z’ કેટેગરીની કરવામાં આવી છે. આદિત્યને આ પહેલાં ‘Y’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી.

મહારાષ્ટ્ર સરકારે નિમેલી એક સમિતિએ તેંડુલકર અને આદિત્ય ઠાકરેના જાન પર રહેલા જોખમ સમીક્ષા કર્યા બાદ સરકારે બંને મહાનુભાવના સુરક્ષા કવચમાં આ ફેરફારો કર્યા છે.

આ સમિતિએ તેની તાજેતરની બેઠકમાં તેંડુલકર અને આદિત્ય ઠાકરે ઉપરાંત બીજા નામાંકિત નાગરિકોને પૂરા પાડવામાં આવેલા સુરક્ષા કવચની સમીક્ષા કરી હતી.

તેંડુલકરને અત્યાર સુધી ‘X’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

‘X’ કેટેગરી હેઠળ એક પોલીસજવાન સચીન તેંડુલકર (46)ની ચોવીસે કલાક સુરક્ષા કરતા હતા.

તે છતાં રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય તેંડુલકર જ્યારે પણ એમના ઘરની બહાર નીકળશે ત્યારે એમને કદાચ એક પોલીસ રક્ષકની સુરક્ષા આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે ભાજપના નેતા એકનાથ ખડસેને પૂરી પાડવામાં આવેલી ‘Y’ સિક્યૂરિટી હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર રામ નાઈકને ‘Z+’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું, પણ હવે તે ઘટાડીને ‘X’ કરી દેવામાં આવ્યું છે. સરકારી લૉયર ઉજ્જવલ નિકમને ‘Z+’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ હવે એને પણ ઘટાડીને ‘Y’ કેટેગરીની કરી દેવામાં આવી છે. જોકે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેની સુરક્ષા વ્યવસ્થાને ‘Y+’ અપગ્રેડ કરીને ‘Z’ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે 29 વ્યક્તિના સુરક્ષા કવચમાં કાં તો વધારો કર્યો છે અથવા ઘટાડો કર્યો છે જ્યારે 16 વ્યક્તિની સિક્યૂરિટીને હટાવી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]