ભૂતપૂર્વ PM વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ…

ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની 95મી જન્મજયંતી નિમિત્તે 25 ડિસેંબર, બુધવારે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે વાજપેયીના સ્મારક 'અટલ મેમોરિયલ' ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા અન્યોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સંસદભવનના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં પણ વડા પ્રધાન મોદી, અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી સહિત અનેક મહાનુભાવોએ વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


નવી દિલ્હીમાં જ, વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક અન્ય કાર્યક્રમમાં પીએમ મોદીએ વાજપેયીના નામે બે યોજનાના શુભારંભની જાહેરાત કરી હતી. એક, અટલ ભૂજલ યોજના અને બીજી અટલ ટનલ.


અટલ ભૂજલ યોજના દેશમાં એવા વિસ્તારોમાં શરૂ કરાશે જ્યાં ધરતીમાં પાણીનું સ્તર બહુ નીચું અને ઓછું છે. આ યોજના દેશના 7 રાજ્યોમાં ભૂજળના સ્તરને ઉપર લાવવામાં મદદરૂપ થશે. અટલ ભૂજલ યોજનાથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને હરિયાણાને લાભ થશે. અટલ ભૂજલ યોજના અંતર્ગત 2024 સુધીમાં દેશમાં પ્રત્યેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાની મોદી સરકારની નેમ છે.


હિમાચલ પ્રદેશ રાજ્યને જમ્મુ અને કશ્મીર તથા લડાખ સાથે જોડનારી રોહતાંગ ટનલને પીએમ મોદીએ આજથી અટલ ટનલ (અટલ સુરંગ) નામ આપ્યું છે. આ ટનલનું કામકાજ 80 ટકા જેટલું પૂરી થઈ ગયું છે. એનું ઉદઘાટન 2020ના મેમાં કરવાની ધારણા છે.


અટલ ટનલ બંધાઈ ગયા બાદ મનાલી અને કીલોંગ વચ્ચેનું અંતર 45 કિ.મી. જેટલું ઘટી જશે. અટલ ટનલ દરિયાઈ સપાટીથી લગભગ 12 હજાર ફૂટ ઊંચે છે અને તે વિશ્વમાં સૌથી ઊંચાઈ પર બાંધવામાં આવનાર અને સૌથી લાંબી ટ્રાફિક ટનલ બનશે.