‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફેમ મોના સિંહ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે

મુંબઈ – ‘જસ્સી જૈસી કોઈ નહીં’ ટીવી સિરિયલમાં કરેલી ‘જસ્સી’ની ભૂમિકાને કારણે લોકપ્રિય થયેલી અભિનેત્રી મોના સિંહ લગ્ન કરવાની છે. મોના 27મી ડિસેંબરે લગ્ન કરવાની છે. એનો પતિ બનવાનો છે એનો બોયફ્રેન્ડ શ્યામ, જે દક્ષિણ ભારત નિવાસી ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. જોકે આ વિશે મોનાએ પોતે કોઈ જાહેરાત કરી નથી.

બંનેનાં લગ્ન મુંબઈમાં થશે એવો અહેવાલ છે.

ચંડીગઢમાં જન્મેલી અને 38 વર્ષની થયેલી મોના લગ્ન કરી રહી છે એવી અટકળો છેલ્લા કેટલાક વખતથી થઈ રહી હતી અને હવે માહિતગાર સૂત્રોનું કહેવું છે કે મોના અને શ્યામ 27મીએ લગ્ન કરવાનાં છે. પોતાનાં લગ્નની જાણ બધાયને થાય અને લગ્ન ધામધૂમથી થાય એવું મોના ઈચ્છતી નહોતી. લગ્નમાં બંનેનાં પરિવારજનો અને ખાસ સગાંસંબંધી તેમજ ખાસ નિકટનાં મિત્રો જ હાજર રહેશે.

26 ડિસેંબરના ગુરુવારે પ્રી-વેડિંગ કાર્યક્રમ યોજાશે એવું જાણવા મળ્યું છે.

મોના ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પ્યાર કો હો જાને દો’, ‘કવચ… કાલી શક્તિયોં સે’ જેવી હિન્દી સિરિયલોમાં પણ જોવા મળી હતી. એણે વેબસિરીઝ ‘કહને કો હમસફર હૈં’ અને ‘મિશન ઓવર માર્સ’માં પણ કામ કર્યું હતું.

મોટા પડદાની વાત કરીએ તો મોના આમિર ખાન અને કરીના કપૂર-ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળવાની છે. આમિર ખાન અને કરીના સાથે મોનાની આ બીજી ફિલ્મ હશે. આ પહેલાં એ ‘થ્રી ઈડિયટ્સ’માં કરીનાની મોટી બહેનનાં રોલમાં જોવા મળી હતી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]