મુંબઈમાં 144મી કલમ લાગુ ઓર્ડર રાબેતા મુજબનો, પોલીસે કોઈ નવા નિયંત્રણો લાદ્યા નથી

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ મુંબઈ મહાનગરને સકંજામાં લીધાને છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આ બીમારીને કારણે  મુંબઈવાસીઓએ ગયા માર્ચના બીજા પખવાડિયાથી લોકડાઉન સહન કર્યું હતું. ધીરે ધીરે અનલોક પ્રક્રિયા ચાલુ થઈ છે અને હવે આવશ્યક ઉપરાંત બીજી ઘણી પ્રવૃત્તિઓ પણ ફરી શરૂ થઈ ચૂકી છે. તે છતાં કોરોનાના કેસ હજી ઘટવાનું નામ લેતા નથી. પરિણામે રાજ્ય સરકારના આદેશને પગલે મુંબઈ પોલીસ દર 15 દિવસે શહેરમાં લોકો બિનજરૂરી કારણસર એકઠાં ન થાય અને ભીડ જમાવે નહીં એટલા માટે કડક નિયંત્રણોનો અમલ કરાવે છે.

પોલીસે 17 સપ્ટેમ્બરની મધરાતથી 30 સપ્ટેમ્બરની મધરાત સુધી શહેરમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 લાગુ કરી છે જે હેઠળ આમ તો રસ્તાઓ પર, જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધારે લોકોના એકઠા થવા પર મનાઈ હોય છે. ગઈ કાલે પોલીસે આ નિયંત્રણોને રાબેતા મુજબ લંબાવ્યા હતા. આ સમાચાર વહેતા થતાં લોકોમાં અમુક સમય સુધી ચિંતા અને ગભરાટની લાગણી ફેલાઈ હતી કે, શું વળી લોકડાઉન લાગુ કરાઈ રહ્યું છે?

આખરે મુંબઈ પોલીસે ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટતા કરવી પડી કે, આ ઓર્ડર રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ગઈ 31 ઓગસ્ટ અનુસાર જ ઈસ્યૂ કરવામાં આવ્યો છે, જેમાં નિયંત્રણોને હળવા કરવાની વાત કહેવામાં આવી છે, લોકડાઉનને સાત-તબક્કા અનુસાર ખોલવામાં આવી રહ્યા છે અને શહેરમાં પોલીસ દ્વારા કોઈ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા નથી. લોકોએ રાબેતા મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવાનું છે અને મોઢા પર માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાનું છે. ઘરની બહાર નીકળ્યા પછી મોઢા પર માસ્ક પહેરવો ફરજિયાત છે.

નવા ઓર્ડરમાં પણ આવશ્યક સેવાઓ તથા ચીજવસ્તુઓની સપ્લાય તેમજ તબીબી ઈમરજન્સીઓને કોઈ અવળી અસર નહીં પડે.

પોલીસે લોકોને એવી વિનંતી પણ કરી કે નવા ઓર્ડરને કારણે ગભરાવા જેવું નથી, કારણ કે કોઈ નવા નિયંત્રણો લાગુ કરાયા નથી અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ અનુસાર આપવામાં આવેલી તમામ છૂટછાટો ચાલુ જ રહેશે.

મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટ કરીને લોકોને કહ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી. 144મી કલમને લગતો જે ઓર્ડર ઈસ્યૂ કરાયો છે એ 31 ઓગસ્ટના ઓર્ડરનું એક લંબાણ જ છે.

મુંબઈ મહાનગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મુંબઈમાં 17 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા 32,849 હતી. આ રોગથી મૃત્યુ પામેલાઓની સંખ્યા 8,320 હતી.

દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ ધરાવનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર હજી પણ પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધીમાં કુલ 11 લાખ પાંચ હજાર કેસો નોંધાઈ ચૂક્યા છે. આમાંથી 8 લાખ 12 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે મરણાંક 31,351 છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]