અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરોઃ કોંગ્રેસનું ગૃહપ્રધાનને આવેદનપત્ર

મુંબઈઃ રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી અને BARCના અધિકારી પાર્થો દાસગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટમાં અનેક ગંભીર બાબતોનો પર્દાફાશ થયો છે. એને કારણે મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વિશે બોલવાનું ટાળે છે, પણ વિરોધપક્ષ આક્રમક છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. તેણે ગોસ્વામીની ધરપકડ કરવાની રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પાસે માગણી રજૂ કરી છે. એ માટે કોંગ્રેસના નેતાઓએ એક આવેદનપત્ર દેશમુખને સુપરત કર્યું છે.

કશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર કરાયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. બાલાકોટ પર સર્જિકલ એરસ્ટ્રાઈક ઓપરેશનની માહિતી અર્ણબ ગોસ્વામી પાસે ત્રણ દિવસ પૂર્વે જ મળી હતી, એવું તે ચેટ પરથી સ્પષ્ટ થાય છે. તે ચેટ સોશિયલ મિડિયામાં તેમજ પ્રચારમાધ્યમોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે આટલી ગોપનીય અને સંવેદનશીલ બાબત ગોસ્વામીને કેવી રીતે મળી હતી? આ દેશદ્રોહનો પ્રકાર છે તેથી ગોસ્વામીની તરત જ ધરપકડ કરવી જોઈએ એવી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સચિન સાવંતે દેશમુખ માગણી રજૂ કરી છે.