ડ્રગ્સની રાણી કહેવાતી નઝમા શેખની ધરપકડ

મુંબઈઃ મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ મુંબઈમાં ગઈ કાલે દરોડો પાડીને એક મોટી સફળતા હાંસલ કરી છે. એમણે ડ્રગ્સની રાણી તરીકે જાણીતી બનેલી નઝમા એહમદ શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસે 35 વર્ષની વયની નઝમાને માહિમ ઉપનગરના વિસ્તારમાંથી પકડી છે. એ ડ્રગ્સની ડિલીવરી કરવાની હતી એ પહેલા જ એને પોલીસે પકડી લીધી હતી. એની પાસેથી દસ લાખ રૂપિયાની કિંમતની મેફેડ્રિન નશીલી દવા જપ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત એની પાસેથી મળી આવેલી 20 હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

નઝમાએ કુર્લા ઉપનગરમાં શ્રીમંતોના વસવાટવાળી એક રહેણાંક સોસાયટીમાં એક ફ્લેટ રાખ્યો છે અને ત્યાંથી એ ડ્રગ્સની દાણચોરી અને ગેરકાયદેસર વેપાર ચલાવતી હતી. મુંબઈ પોલીસને બાતમી મળતાં એએનસી વિભાગના અધિકારીઓએ તે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી રૂ. 54 લાખની કિંમતનું ચરસ પણ મળી આવ્યું હતું. નઝમાની પૂછપરછ ચાલુ છે. એમાં બીજા ઘણા ડ્રગ્સ દાણચોરોના નામ-ઓળખની જાણકારી મળશે. એનાં બે ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે, જેને પોલીસે જપ્ત કરી છે.