‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે’

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીન માટે કરેલી અરજીનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ વિરોધ કર્યો છે. મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી ક્રૂઝ જહાજ પર દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે આર્યન ખાન પાસેથી પ્રતિબંધિત કેફી દ્રવ્ય મળી આવ્યું હતું. એનસીબીએ મુંબઈની કોર્ટમાં રજૂઆત કરી હતી કે અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે ડ્રગ્સનું એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને ડ્રગ્સને ગેરકાયદેસર રીતે મેળવવા તથા એનો ઉપયોગ કરવાના ગુનામાં આર્યન ખાન પણ સંડોવાયેલો છે.

એનસીબી એજન્સીએ કોર્ટમાં પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે આર્યન ખાન કેટલીક એવી વ્યક્તિઓના સંપર્કમાં રહ્યો છે જેઓ ડ્રગ્સ મેળવવા માટેના એક આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો એક હિસ્સો છે. તપાસમાં વધુમાં એવું પણ માલૂમ પડ્યું હતું કે નાણાકીય સોદાઓ વિદેશમાં કરવામાં આવ્યા હતા. સંબંધિત વિદેશી એજન્સીનો સંપર્ક કરવો પડશે તેથી તપાસ માટે પર્યાપ્ત સમય મળે એ જરૂરી છે. દરેક આરોપીના કેસને વ્યક્તિગત કે અલગ ગણી શકાય એમ નથી. તપાસમાં માલૂમ પડ્યું છે કે ડ્રગ્સના ગુનાઓ કરવા માટે ઘડાયેલા ષડયંત્રમાં આર્યન ખાન સહિત તમામ આરોપીઓ વચ્ચે ઘનિષ્ઠ સાંઠગાંઠ જોવા મળી છે.