મુંબઈમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ઉજવ્યો ‘વિશ્વ તમાકુ-વિરોધી દિવસ’

મુંબઈ – સમગ્ર વિશ્વમાં 31 મે, શુક્રવારે ‘વર્લ્ડ નો-ટોબેકો ડે’ ઉજવણી કરવામાં આવી હતી. આ ‘વિશ્વ તમાકુ-વિરોધી દિવસ’ની ઉજવણી મુંબઈના દાદર (પૂર્વ)સ્થિત સામાજિક-આધ્યાત્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા પણ વિશેષ રીતે કરવામાં આવી હતી. માનવીય ઉદ્દેશ્ય માટે એ પ્રસંગે સંસ્થા દ્વારા એક ‘પ્રાર્થના યજ્ઞ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BAPS સ્વામીનારાયણ મંદિર, દાદરના બાળકો સામેલ થયાં હતાં.

આ યાત્રા દ્વારા તમાકુના વ્યસનીઓને વ્યસન-મુક્ત જીવન જીવવાની અપીલ કરવામાં આવી હતી અને નિર્દોષ લોકોને તમાકુની ઝેરી અસરોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.

એક અંદાજ મુજબ, ભારતમાં 1 અબજ 30 લાખ જેટલા પુખ્ત વયના લોકોમાંથી 23 કરોડ 24 લાખ જેટલા લોકો દરરોજ તમાકુનો ઉપયોગ કરે છે.

‘પ્રાર્થના યજ્ઞ યાત્રા’ દાદરસ્થિત મંદિરેથી બપોરે 1 વાગ્યે શરૂ થઈ હતી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કૂચ કરીને દાદર (વેસ્ટ)ના શિવાજી પાર્ક ખાતે ગયાં હતાં. સમગ્ર રૂટ પર બાળકો શાંતિ-પાઠનું ઉચ્ચારણ અને તમાકુના વ્યસનીઓને વ્યસન છોડી દેવાની અપીલ કરતાં હતાં. ઉનાળાના સખત તાપ, ગરમી હોવા છતાં 800થી વધારે બાળકો આ અઢી કિલોમીટર લાંબી પ્રાર્થના યાત્રામાં ચાલતા ગયા હતા.

આ યાત્રા દરમિયાન બાળકોની મુલાકાત અનેક વ્યસનીઓ સાથે થઈ હતી જેમને તેમણે બીડી, સિગારેટ, દારુ, તમાકુ, ગુટખા જેવી ચીજોની આદતોથી દૂર રહેવા અને કેન્સર-મુક્ત સમાજ રૂપે પરિવારોને ગિફ્ટ આપવાની અપીલ કરી હતી.