ઈયળ-સમડીની વાત અને તથાગત બુદ્ધનો ઉપદેશ

કવાર એક સુંદર વનમાં કીટક તેમના નિત્યક્રમે ઝાડની બખોલમાં આહાર કરી રહ્યા હતા, દરેક જીવને પાસે સ્વતંત્રતા હોય છે. સ્વતંત્રતા દરેક જીવને વ્હાલી છે. ઇયળનું એક બચ્ચું વધુ ખોરાક ખાવા માટે ઝાડની બહાર નીકળી ખોરાક શોધવા લાગ્યું, ત્યાં જ એક પક્ષીની નજરએ બચ્ચા પર પડી, ક્ષણભરમાં તે પક્ષીએ આ ઈયળના બચ્ચાને પોતાની ચાંચમાં ઉપાડી લીધું.

મૃત્યુ તરફ જઈ રહેલ આ કીટકને વિચાર આવ્યો, હું કેટલી સુખી અને સુરક્ષિત હતી, મારી મર્યાદામાં હું મારા વડીલો સાથે રહી હોત તોઆ દિવસ ના જોવો પડત. પણ હું મારી સીમામાંથી બહાર ચાલી ગઈ, અને હવે તેનું પરિણામ મારી સામે છે. જે પોતાની નિશ્ચિત સીમાઓ અને મર્યાદાઓમાં નથી જીવતો તેની સાથે આવું થઇ શકે છે, તથાગત બુદ્ધ બોલ્યા. (સંયુક્તનિકાય)

કાન, આંખ, જીભ બધા પોતાનું કાર્ય કરે છે, આંખ જુએ છે પણ બોલતી નથી. કાન સંભાળે છે પણ દેખતા નથી. મનસિવાયની બધી ઇન્દ્રિયો પોતાની મર્યાદામાં જ કાર્ય કરે છે. પરંતુ મન એક એવું અતિન્દ્રિય છે કે જે કાન સાંભળે પછી તેના પર પોતાનું કાર્ય કરવાનું શરુ કરે છે. માટે મનનું કાર્ય ખુબ જ વિકટ છે, જો મન કાબુમાં ના રહે તો મનુષ્યનો વિનાશ તેનું પોતાનું જ મન કરી શકે છે.

મન જયારે કાબુમાં નથી રહેતું, ત્યારે તે વિષયો પાછળ દોડવા લાગે છે. સારું કે ખોટું જોયા વગર મન દરેક વિષયમાં પોતાનો અભિપ્રાય આપવા આવી જાય છે. વિષયોમાં રત થઇ જવું એ મનની સૌથી મોટી તકલીફ છે. અવાજ, સ્વાદ, દ્રશ્ય બધાને પોતાની રીતે રજુ કરવા એ મનનો અવગુણ છે, મન પોતાની વાતને જો આમ થશે તો… કહીને મનાવવા કોશિશ કરે છે. બુદ્ધિશાળી મનુષ્ય જે જાગૃત છે, વર્તમાનમાં જીવે છે, જેણે વિવેક, નમ્રતા, ચારિત્ર્ય અને ધીરજ ગ્રહણ કર્યા છે, તે મનની આ ચાલ સામે સદા જાગૃત રહે છે. આવો ધીર ગંભીર પુરુષ ધીરે ધીરે સંસાર સાગરને સફળતા પૂર્વક પાર કરીને સ્થિર મનથી મુક્તિ પામે છે.ખેડૂત પાણી વાળે છે, સુથાર લાકડું ઘડે છે, લુહાર ઓજાર ટીપીને સીધું કરે છે, ગુણવાન મનુષ્ય પોતે મન, વાણી અને આચરણ થકી પોતાની જાતને ઘડે છે.

જયારે પણ મન તમને બાંધવાની કોશિશ કરે ત્યારે હંમેશા યાદ રાખો કે તમારા મનના વિચારો એ તમારા મનનું પોતાનું ભાષાંતર કે અર્થઘટન છે, હકીકત નથી. હકીકત કઈ પણ હોઈ શકે છે. હકીકત જયારે ઘટના બને ત્યારે જ સાચી. જયારે તમે ક્રોધિત હોવ છો, અસફળ થાઓ છો ત્યારે મન બેકાબુ બની જાય છે, તમે ઘટના અને લોકો માટે પોતાના અર્થઘટનથી જ પીડાઓ છો. હકીકત આપણા વિચારો જેટલી ક્રૂર હોતી નથી.

તથાગત બુદ્ધએ મનુષ્યોને સદા જાગૃત રહેવાનો માર્ગ બતાવ્યો.તથાગત બુદ્ધના ઉપદેશોને જો આપણે એક જ વાક્યમાં મુકવાની કોશિશ કરીએ, તોતે કદાચ આજ હોઈ શકે કે “કોઈ પણ બંધન સારું નથી, કોઈ પણ બંધનથીમનનુંમુક્ત થવું જ મનુષ્યને નિર્વાણ પ્રાપ્તિ કરાવશે.”

જેમ કે ચીજ વસ્તુઓનું બંધન, આપણને ચીજો વગર નથી ચાલતું, પરંતુ ચીજો આપણી સુવિધા માટે છે ત્યારબાદ ચીજોની જાળવણી અને તેમને ઘરમાં જગ્યા આપવા માટે મથીએ છીએ. આપણને આપણા અભિપ્રાયો અને માન્યતાઓનું પણ બંધન છે,અભિપ્રાયો અને માન્યતાઓ દ્વારા શું મળે છે? માત્ર તેના તેજ વિચારોથી શું મળે છે? આથી વિરુદ્ધ કોઈ પણ મતથી મુક્ત થવાથી તમે નિર્વાણ તરફ આગળ વધશો.

જેમ સ્ફૂર્તિવાન ઘોડો સદા ચેતન હોય છે, ચાબુકના પવન માત્રથી તે પોતે ચાલવા લાગે છે, તેમ મનુષ્યે પણ મનના વિષયો, લોભ, મોહ, અજ્ઞાન અને ક્રોધથી સદા સચેત રહેવું જોઈએ. શ્રદ્ધા, ચારિત્ર્ય, મહેનત, ધ્યાનઅને ઉત્તમ આચરણવડે મનુષ્ય સંસારના દુઃખને દુર કરી શકે છે. કોઈપણ બંધનથી મનને મુક્ત કરવાથી જ સાચી શાંતિ મળી શકે છે. સોની જેમ સોનામાંથી મેળ દુર કરે છે, થોડું તાપે અને થોડું ઠારે અને થોડો ઘાટ આપે તેમ મનુષ્યે પણ પોતાના આચરણને સૂક્ષ્મતાથી નીરખીને ધીરે ધીરે શુદ્ધ કરવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]