NSE પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ

મુંબઈઃ NSE ગ્રુપ (નેશનલ સ્ટોક એક્સચેન્જ અને NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ) ફરી એક વાર કેલેન્ડર વર્ષ 2023ને અંતે કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ્ઝ ગ્રુપ તરીકે ઊભરી આવ્યું છે. ડેરિવેટિવ્ઝ વેપારના સંઘ ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઈએ) દ્વારા બહાર પાડેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું કે NSE સતત પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની રહ્યું છે. તેનો ઈક્વિટી સેગમેન્ટ ઓર્ડર બુકની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું સૌથી મોટું સેગમેન્ટ બની રહ્યું છે, એમ વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબ્લ્યુએફ)એ જણાવ્યું હતું. આ અંગેની પ્રતિક્રિયામાં NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે વિશ્વમાં ત્રીજા ક્રમના ઈક્વિટી સેગમેન્ટ અને સૌથી મોટા ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ તરીકે NSE દેશના મૂડીબજારને વિશ્વના નકશામાં વિપુલ સંભાવનાઓના વિસ્તાર તરીકે સ્થાપે છે.

કેલેન્ડર વર્ષ 2023માં NSEએ ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમ કે NSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર લાખ કરોડ યુએસ ડોલરને આંબી ગયું છે, એસએમઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. એક લાખ કરોડની સપાટી વટાવી ગયું છે અને નિફ્ટી પ્રથમ વાર 20,000 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો. કેલેન્ડર વર્ષના અંતે એનએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 8.5 કરોડને વટાવી ગઈ છે. એક્સચેન્જના ઈક્વિટી સેગમેન્ટમાં પણ રેકોર્ડ ટર્નઓવર થયું હતું.

એક્સચેન્જે સોશિયલ સ્ટોક એક્સચેન્જ લોન્ચ કર્યું છે, જેને પગલે સામાજિક સાહસોને તેમની કામગીરી વિશાળ વર્ગને દર્શાવવાની અને આવશ્યક ભંડોળ એકત્ર કરવાની તક પૂરી પાડે છે. આ સેગમેન્ટમાં 42 નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ નોંધાયેલાં છે. વર્ષ દરમિયાન NSEએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 21 નવા કોમો઼ડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા. ત્રીજી જુલાઈ, 2023થી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જે NSE આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટે પૂર્ણ કામગીરી શરૂ કરી હતી જેથી ગિફ્ટ આઈએફએસસીમાં પ્રવાહિતા વધી હતી. આઈએફએસસીમાં 21 કલાક ટ્રેડિંગ થાય છે.