મુંબઈઃ 14 વર્ષ જૂના એક કેસના સંબંધમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરાલા નગરની એક અદાલતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. કથિતપણે ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ રાજ ઠાકરે સામે 2008માં ભારતીય ફોજદારી ધારાની કલમો 109 અને 117 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. એ કેસના સંબંધમાં સાંગલીના શિરાલાના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસએ ગઈ 6 એપ્રિલે ઠાકરે સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું અને મુંબઈના પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ ઠાકરેની ધરપકડ કરે અને એમને શિરાલા કોર્ટમાં હાજર કરે. શિરાલા કોર્ટના મેજિસ્ટ્રેટે રાજ ઠાકરે ઉપરાંત મનસે પાર્ટીના અન્ય નેતા શિરીષ પારકર સામે પણ ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. સહાયક પબ્લિક પ્રોસિક્યૂટર જ્યોતિ પાટીલે કહ્યું કે, સાંગલીની અદાલતે મુંબઈના પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે જૂન-8 પહેલા વોરંટનો અમલ કરવામાં આવે અને મનસેના બંને નેતાને કોર્ટમાં હાજર કરવામાં આવે.
2008માં, રાજ ઠાકરેએ સ્થાનિક યુવકોને નોકરીમાં પ્રાથમિકતા અપાય એવી માગણી સાથે એક આંદોલન કર્યું હતું. મનસેના એક નેતાનું કહેવું છે કે સરકારનો એક નિયમ હતો જે અનુસાર, 2012ની સાલ પૂર્વેના રાજકીય કેસો પાછાં લેવા જોઈએ. પરંતુ, હાલ રાજ ઠાકરેએ મસ્જિદોની ઉપર વગાડવામાં આવતા લાઉડસ્પીકરોનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી એમની વિરુદ્ધનો જૂનો, છેક 2008ની સાલનો કેસ ઉખેડવામાં આવ્યો છે.
