‘મંગળવારે હનુમાન-ચાલીસા કરશો નહીં’: કાર્યકરોને રાજ-ઠાકરેની સૂચના

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ એક ટ્વીટ દ્વારા પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે, 3 મેએ જાહેરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો કાર્યક્રમ ન યોજે.

રાજ ઠાકરેએ ટ્વિટર પર જણાવ્યું છે કે, આવતીકાલે ઈદનો તહેવાર છે. સંભાજીનગર ખાતેની જનસભામાં હું જણાવી ચૂક્યો છું. મુસ્લિમ સમુદાયનો આ તહેવાર આનંદપૂર્વક ઉજવાવો જોઈએ. અગાઉ ચર્ચા કરી તેમ, અક્ષય તૃતિયા પર્વ નિમિત્તે મહેરબાની કરીને આરતી કરશો નહીં, કારણ કે કોઈ પણ ધર્મની ઉજવણીમાં ખલેલ પહોંચે એવું આપણે ઈચ્છતા નથી. લાઉડસ્પીકરો એક સામાજિક પ્રશ્ન છે, ધાર્મિક નથી. આ વિશે ભાવિ પગલા વિશેની જાણ હું મારા હવે પછીના ટ્વીટ દ્વારા કરીશ.

ઉલ્લેખનીય છે કે, મનસેના કાર્યકર્તાઓએ 3 મેના મંગળવારે, આખા મહારાષ્ટ્ર રાજ્યમાં એમના સ્થાનિક મંદિરો ખાતે લાઉડસ્પીકરોનો ઉપયોગ કરીને ‘મહાઆરતી’ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં અરજી કરી છે, પરંતુ મુંબઈ પોલીસે એમને તેમ ન કરવાની નોટિસ આપી છે.