મુંબઈઃ પડોશના નવી મુંબઈમાં આવેલી શાકભાજી અને ફળોની હોલસેલ માર્કેટ – APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેવાની છે. આને કારણે મુંબઈ, નવી મુંબઈ અને પડોશના થાણે શહેર-જિલ્લામાં શાકભાજીના પૂરવઠાને અસર થવાનો સંભવ છે.
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે અત્યાવશ્યક સેવાઓને બાદ કરતાં મુંબઈમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
હવે મુંબઈ-થાણા જિલ્લાઓને શાકભાજી પૂરવઠો પૂરો પાડવાનું સ્થળ એપીએમસી માર્કેટ 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ થવાની છે. આ નિર્ણયની જાણકારી માર્કેટના સંચાલક શંકર પિંગળેએ આપી છે.
પરંતુ, 25-31 માર્ચના સમયગાળા દરમિયાન શાકભાજીની તંગી ઊભી ન થાય એટલા માટે 24 માર્ચ સુધી માર્કેટને ખુલ્લી રાખવામાં આવનાર છે.
નવી મુંબઈના વાશીસ્થિત એપીએમસી માર્કેટમાં દરરોજ 2000 જેટલી ગાડીઓમાં શાકભાજી-ફળોનો માલ આવે છે. તેમજ દરરોજ અહીંયા 6000 લોકો વેપાર કરે છે. જોકે લોકડાઉનને કારણે આમાંના મોટા ભાગના લોકો પોતપોતાના ઘરમાં છે. અનેક જણ પોતપોતાના ગામ-વતન ખાતે જતા રહ્યા છે. બજારમાં ભીડ ઓછી થઈ ગઈ છે. પરિણામે નાછૂટકે માર્કેટ બંધ કરવી પડશે, એમ પિંગળેએ કહ્યું.
25-31 માર્ચ દરમિયાન એપીએમસી માર્કેટમાં શાકભાજી, ફળ, કાંદા-બટાટા બજારો બંધ રહેશે. પરિણામે આ ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે.
માર્કેટમાં ગીરદી ન થાય એટલા માટે આ પહેલાં જ સાવચેતીના અનેક પગલાં લેવામાં આવ્યા હતા. હોલસેલ વેપારીઓએ એમના ગ્રાહકોને માર્કેટમાં આવવાને બદલે ફોન કરીને જ ઓર્ડર આપવાનું જણાવ્યું હતું.
દર ગુરુવાર અને રવિવાર, એમ બે દિવસ માર્કેટ બંધ રાખી સ્વચ્છતા કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે કોરોના વાઈરસના ફેલાવાનું જોખમ વધી જતાં 25-31 માર્ચ સુધી માર્કેટ સદંતર બંધ રાખવાનું નક્કી કરાયું છે.