મુંબઈમાં કોરોના કટોકટી માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જવાબદારઃ સંજય રાઉત

મુંબઈઃ શિવસેનાના રાજ્યસભાના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના અખબારમાં એમની સાપ્તાહિક કોલમમાં એક વિચિત્ર દાવો કર્યો છે. એમણે કહ્યું છે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદમાં યોજાઈ ગયેલો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ગુજરાત, મુંબઈ અને દિલ્હીમાં કોરોના વાઈરસ બીમારીના ફેલાવા માટે જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે ભારત આવેલા પ્રમુખ ટ્રમ્પના પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યોએ અમદાવાદ, મુંબઈ અને દિલ્હી શહેરોની મુલાકાત લીધી હતી.

કોઈ પ્રકારના આયોજન વગર દેશમાં કોરોના વાઈરસ લોકડાઉન લાગુ કરવા બદલ અને હવે તે ઉઠાવી લેવાની જવાબદારી રાજ્યો પર નાખવા બદલ રાઉતે કેન્દ્ર સરકારની ઝાટકણી પણ કાઢી છે.

રાઉતે લખ્યું છે કે, એ વાતને નકારી શકાય એમ નથી કે યુએસ પ્રમુખ ટ્રમ્પને આવકારવા માટે યોજાઈ ગયેલા વિશાળ જાહેર કાર્યક્રમને કારણે જ ગુજરાતમાં કોરોના વાઈરસનો ફેલાવો થયો છે. ટ્રમ્પની સાથે આવેલા કેટલાક પ્રતિનિધિઓએ મુંબઈ અને દિલ્હીની પણ મુલાકાત લીધી હતી અને એને કારણે જ વાયરસ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે મળીને રોડ-શોમાં ભાગ લીધો હતો. એમાં હજારો લોકોએ હાજરી આપી હતી. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.

રાઉતે તંત્રીલેખમાં એમ પણ લખ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સંયુક્ત સરકાર નિષ્ફળ ગઈ છે એવો દાવો કરીને સરકારના ઉથલાવવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવાનો કોઈ પણ પ્રયાસ આત્મઘાતી પુરવાર થશે.

દેશમાં લોકડાઉન કઈ રીતે નિષ્ફળ ગયું છે એનું સરસ રીતે વિષ્લેષણ રજૂ કરવા બદલ રાઉતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી છે.