કોરોના સામેની લડાઈ લાંબી છે: મોદી (‘મન કી બાત’માં)

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી છે અને દેશના લોકોને પડી રહેલી સમસ્યાઓ પર ધ્યાન આપવા કેન્દ્ર સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

મોદીએ કહ્યું કે, આગળ માર્ગ લાંબો છે. આપણે એક એવા રોગચાળા સામે લડી રહ્યા છીએ જે વિશે અગાઉ કોઈને ભાગ્યે જ ખબર હતી.

સ્થળાંતરિત કામદારો-મજૂરોની યાતના વિશે મોદીએ કહ્યું કે દેશભરમાં માઈગ્રન્ટ મજૂરોને જે પીડાનો અનુભવ થયો છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. એમની સંભાળ લેવા માટે સરકાર એના બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

મોદીએ પુનરોચ્ચાર કર્યો કે કોરોના વાઈરસનું જોખમ હજી દૂર થયું નથી અને દરેક જણે સોશિયલ ડિસ્ટન્સિંગ (વ્યક્તિગત અંતર) નિયમનું પાલન કરવાનું જ છે. ભારતની વસ્તી વિશાળ છે તેથી પડકાર પણ મોટો છે.

વડા પ્રધાને કહ્યું કે અર્થતંત્રનો મોટો હિસ્સો હવે ખુલ્લો મૂકી દેવાયો છે. આપણે હજી વધુ સંભાળ રાખવાની છે. કોવિડ-19 સામેની લડાઈમાં દરેક ભારતીયએ પોતપોતાની રીતે ભૂમિકા નિભાવી છે.