ઓસ્ટ્રેલિયાના PM મોરીસને સમોસા બનાવ્યા; મોદી સાથે મળીને ખાવાની ઈચ્છા બતાવી

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને શાકાહારી સમોસા અને સાથે કેરીની ચટણી બનાવીને પોતાની નવી કુશળતાનું પ્રદર્શન કર્યું છે. એમણે એમ પણ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને સમોસા ખાવાની એમની ઈચ્છા છે.

મોરીસને આ જાણકારી ટ્વિટર મારફત આપી છે. ટ્વીટમાં એમણે સમોસા ભરેલી પ્લેટ હાથમાં પકડીને પોતાની તસવીર પણ પોસ્ટ કરી છે. આ ટ્વીટને રવિવારે બપોર સુધીમાં 54 હજારથી વધારે લાઈક્સ મળ્યા હતા અને 3 હજાર જણે કમેન્ટ લખી હતી. 9 હજારથી પણ વધારે લોકોએ રીટ્વીટ કર્યું છે.

બંને વડા પ્રધાન 4 જૂને વર્ચ્યુઅલ મીટિંગ યોજવાના છે.

આ છે સ્કોટ મોરીસનનું ટ્વીટઃ

વડા પ્રધાન મોદીએ સ્કોટ મોરીસનના ટ્વીટના જવાબમાં લખ્યું છે, ‘આપણા બંને દેશ હિન્દ મહાસાગર સાથે જોડાયેલા છે અને ભારતીયો સમોસાથી સંગઠિત છે… સ્વાદિષ્ટ દેખાય છે પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરીસન. કોરોના બીમારીને હરાવ્યા પછી આપણે સાથે મળીને સમોસા ખાવાનો આનંદ માણીશું. ચાર જૂને આપણી વર્ચુઅલ વિડિયો મુલાકાતની રાહ જોઉઁ છું.’