સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી માટે ‘ઓફ્ફલાઈન’ દર્શન બંધ

મુંબઈઃ આ મહાનગરસહિત દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો માટે શ્રદ્ધાસ્થાન બનેલા પ્રભાદેવીસ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી ચતુર્થીએ ખૂબ ભીડ થતી હોય છે. પરંતુ, કોરોના વાઈરસના કેસ ફરી વધી જવાને કારણે આવતી 2 માર્ચે થનારી અંગારકી માટે મંદિરમાં ગીરદી ટાળવા માટે માત્ર પોતાનું નામ ઓનલાઈન રજિસ્ટર કરાવનાર અને ક્યૂઆર કોડ ધરાવનાર ભાવિકોને જ ગણપતિજીના દર્શન કરવા મળશે. આ જાણકારી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી આપવામાં આવી છે.

મુંબઈ તથા મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધી ગયા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં લોકોની ગીરદી ન થાય એટલા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપેલી સૂચનાને પગલે મંદિરના સંચાલકોએ ઉક્ત નિર્ણય લીધો છે. આવતા મંગળવાર, 2 માર્ચે થનારી અંગારકી સંકષ્ટી ચતુર્થીના દિવસે ભાવિકો માટે સિદ્ધિવિનાયક ગણપતિના ઓફ્ફલાઈન દર્શન બંધ રાખવામાં આવશે. એ દિવસે સવારે 8થી રાતે 9 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન ક્યૂઆર કોડ પ્રણાલી મારફત ભાવિકો માટે ભગવાન ગણપતિના દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ભાવિકોએ સિદ્ધિવિનાયક મંદિર એપ એમના ફોન પર ડાઉનલોડ કરી લેવી, અપોઈન્ટમેન્ટ બુક કરાવવી અને પછી ક્યૂઆર કોડ મારફત જ મંદિરમાં પ્રવેશ કરવો. લોકોએ મંદિરના પ્રવેશદ્વારની બહાર ગીરદી કરવી નહીં.