મુંબઈ: લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા મુંબઈના અશ્વજ્યોત મહિલા થિયેટર ગ્રુપે એક અનોખો પ્રયાસો હાથ ધર્યો છે. અશ્વજ્યોત મહિલા થિયેટરને માર્ગદર્શન પૂરૂ પાડનારા નિર્દેશક અને અભિનેતા તથા આસિ.પ્રોફેસર કવિત પંડ્યા અને નાટક ગ્રુપની મોટા ભાગની બહેનો એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે. તેથી એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠના સહયોગ સાથે મતદાન અંગે જાગૃતિ લાવવાના હેતુસર “મતદાન અમૂલ્ય દાન” શેરી નાટક ભજવવામાં આવી રહ્યું છે.
એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગ તથા પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ (યુજી અને પીજી)ના સંયુક્ત અનુક્રમે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા અને મતદારોમાં ઉત્સાહ પ્રગટાવવા મુંબઈમાં ઠેર ઠેર “મતદાન અમૂલ્ય દાન” શેરી નાટક ભજવવામાં આવી રહ્યું છે.
બહેનો દ્વારા યુવાનો સુધી પહોંચી શેરી નાટકના માધ્યમથી તેને સભાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
અશ્વજ્યોત મહિલા થિયેટરની બહેનો, જે વિદ્યાપીઠમાં અનુસ્નાતકનો અભ્યાસ પણ કરી છે, તે બહેનો રાષ્ટ્રસેવામાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે. લોકોમાં રાષ્ટ્રભાવના જાગે તે હેતુ સાથે જુસ્સાથી શેરીનાટક કરવામાં આવી રહ્યું છે.
“મતદાન અમૂલ્ય દાન” 10 મીનિટનું નાટક છે. જેમાં મતદાનું મહત્વ, અધિકારો જેવા મુદ્દાને આવરી લેવામાં આવ્યાં છે. આ શેરી નાટકને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મતદાન અવરનેસ માટે માત્ર નાટક જ નહીં અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે.
નાટકમાં બહેનોને માર્ગદર્શન પુરૂ પાડતાં કવિત પંડ્યાને ગુજરાતી વિભાગના અધ્યક્ષ દર્શના ઓઝા પણ સહકાર આપે છે. આમ, અશ્વજ્યોત મહિલા થિયેટર ગ્રુપ અને એસએનડીટી મહિલા વિદ્યાપીઠ મળીને રાષ્ટ્રભાવના જગાડી રહ્યાં છે.
