કોસ્ટલ-રોડ પ્રોજેક્ટ સામે સ્ટે આપવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈઃ અરબી સમુદ્રના કાંઠે 8 લેનવાળા અને 22.2 કિલોમીટર લાંબા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરનું કામકાજ સ્થગિત કરાવવાની એક પીટિશનને મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સાર્વજનિક હિતને ધ્યાનમાં લેતા આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં અટકાવવો ન જોઈએ. કોર્ટના આ ચુકાદાથી મુંબઈ મહાનગરપાલિકાને મોટી રાહત થઈ છે. મુંબઈ કોસ્ટલ રોડ પશ્ચિમી કાંઠે દક્ષિણ અને ઉત્તર મુંબઈના વિસ્તારોને જોડશે. દક્ષિણ છેડે મરીન લાઈન્સ અને ઉત્તર છેડે કાંદિવલીને જોડશે.

કોસ્ટલ રોડના માર્ગ પર એક વિશાળ ફૂવારો અવરોધ બન્યો છે. દક્ષિણ મુંબઈના ચર્ની રોડમાં આવેલા તારાપોરવાલા મત્સ્યાલયની બાજુમાં ‘પંચમ’ સંસ્થાએ બનાવેલા ફૂવારા અને પાણીની ‘પંચમ પરબ’ને દૂર કરવા લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ મહાપાલિકાને લેખિતમાં વિનંતી કરી હતી. આ ફૂવારો-પરબ 1993માં બાંધવાની મહાનગરપાલિકાએ પંચમ સંસ્થાને પરવાનગી આપી હતી. આ ફૂવારાને બચાવવા પંચમ સંસ્થાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ મહાપાલિકાએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ ફૂવારો-પરબ કોસ્ટલ રોડના એક ભાગ તરીકે બંધાનારા રેમ્પ, સરફેસ રોડ, કટ એન્ડ કવર વગેરે કામકાજમાં અવરોધરૂપ બને છે. તેથી એને દૂર કરવા જરૂરી છે. મહાપાલિકાએ આ માટે પંચમ સંસ્થાને ગઈ 18 સપ્ટેમ્બરે નોટિસ મોકલી હતી. તેના વિરોધમાં સંસ્થા સેશન્સ કોર્ટમાં ગઈ હતી. ન્યાયાધીશ શ્રીમતી પોન્ક્ષેએ સુનાવણીમાં કહ્યું કે આ પ્રોજેક્ટ સાર્વજનિક મહત્ત્વનો છે અને પાયાભૂત વિકાસનો ભાગ છે તેથી એને રોકી શકાય નહીં. સંસ્થાએ કહ્યું કે અમને ફૂવારો-પરબ માટે અન્ય જગ્યા મળવી જોઈએ. કોર્ટે આ મુદ્દે સુનાવણી માટે 18 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.