એમ્બ્યુલન્સને રોકી રખાઈ? મુંબઈ પોલીસની સ્પષ્ટતા

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કારકાફલો પસાર થઈ શકે એ માટે ગઈ કાલે એક એમ્બ્યુલન્સને અટકી જવાની ફરજ પાડવામાં આવી હોવાનું દર્શાવતા વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયા બાદ અનેક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે. મુંબઈ પોલીસે આજે એ વિશે સ્પષ્ટતા કરી છે. તેણે ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘તે બનાવ વિશેના આક્ષેપો ખોટા છે, કારણ કે એમ્બ્યુલન્સની સાઈરન કોઈક ટેકનિકલ ખામીને કારણે બગડી જતાં વાગ્યે રાખી હતી અને એ વખતે એમાં કોઈ ઈમરજન્સી દર્દી નહોતો. યોગ્ય તપાસ હાથ ધરાયા બાદ, ઘટનાસ્થળે હાજર રહેલા ટ્રાફિક અધિકારીએ ચકાસણી કરી હતી કે તે એમ્બ્યુલન્સમાં એ વખતે કોઈ ઈમર્જન્સી દર્દી નહોતો અને કોઈક ટેકનિકલ ખામીને કારણે એમ્બ્યુલન્સની સાઈરન વાગ્યે રાખી હતી, તેનો ડ્રાઈવર એને સ્વિચ ઓફ્ફ કરી શક્યો નહોતો.’

અમિત શાહ બે દિવસ માટે ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. ગઈ કાલે તેમણે પરિવારજનો સાથે પરેલ ઉપનગરના લાલબાગ વિસ્તારમાં જઈને ‘લાલબાગચા રાજા’ ગણપતિના દર્શન કર્યા હતા.

ચર્ચાસ્પદ વીડિયો અંધેરીના સાકીનાકા વિસ્તારનો છે. અમિત શાહનો કારકાફલો સડસડાટ પસાર શકે એ માટે અન્ય વાહનોની અવરજવરને પાંચથી દસ મિનિટ માટે થંભાવી દેવામાં આવી હતી. સુરક્ષાના કારણસર આવું સામાન્ય રીતે બધે બનતું હોય છે. ચર્ચાસ્પદ વીડિયો ટ્વિટર પર અપલોડ થયા બાદ તરત જ તમામ સોશ્યલ મીડિયા નેટવર્ક્સ ઉપર વાઈરલ થયો હતો. પરિણામે આજે પોલીસને સ્પષ્ટતા કરવી પડી હતી.