આર્ય સમાજનું લગ્ન સર્ટિફિકેટ કાયદેસર પુરાવો નહીં: હાઇકોર્ટ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ સ્થિત અલાહાબાદ હાઇકોર્ટે મહત્ત્વના ચુકાદામાં કહ્યું હતું કે સામાજિક સંસ્થા આર્ય સમાજ દ્વારા જારી કરવામાં આવેલા લગ્નના સર્ટિફિકેટને લગ્નની કાયદેસરતાનો પાકો આધાર ન માની શકાય. હાઇકોર્ટના જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ એક અરજી પર ચુકાદો આપતાં કહ્યું હતું કે આર્ય સમાજ દ્વારા જારી કરવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટને આધારે લગ્નને કાયદેસર ઠેરવી શકાય નહીં. કોર્ટે ભોલા સિંહ અને અન્ય દ્વારા રજૂ બંદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુનાવણી દરમ્યાન રજૂ કરવામાં આવેલા આર્ય સમાજના દસ્તાવેજોને પૂરતા પુરાવા માનવાથી ઇનકાર કરતાં તેમની અરજી ફગાવી દીધી હતી.

જસ્ટિસ શમશેરીએ કહ્યું હતું કે આર્ય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા લગ્નનાં અગણિત સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, પણ આ સર્ટિફિકેટો પર આ કોર્ટમાં અને અન્ય હાઇકોર્ટોમાં સુનાવણી દરમ્યાન સમયાંતરે સવાલો ઊભા કરવામાં આવે છે.કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની સંસ્થાઓએ આ દસ્તાવેજોની વિશ્વનીયતાને ધ્યાનમાં રાખ્યા વિના, લગ્ન કરાવનારી સંસ્થાઓ પ્રતિ લોકોની આસ્થાનો દુરુપયોગ કર્યો છે. આવામાં લગ્નનું રજિસ્ટ્રેશન નથી થયું, માત્ર આર્ય સમાજના સર્ટિફિકેટને આધારે કોઈ યુગલને વિવાહિત માની ના શકાય.

આ મામલે અરજીકર્તા ભોલા સિંહે વકીલ ધર્મવીર સિંહના માધ્યથી કોર્ટની સમક્ષ પોતાનાં લગ્નને કાયદેસર સાબિત કરવા માટે ગાજિયાબાદના આર્ય મંદિર દ્વારા લગ્નનું સર્ટિફિકેટ, લગ્નનું રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ અને કેટલાક ફોટા પુરાવા તરીકે રજૂ કર્ચા હતા.