સરકાર કારમાં છ એરબેગ ફરજિયાત કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં રોડ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેની સરેરાશ દૈનિક ધોરણે 426 અથવા કલાકદીઠ 18 જણનાં મોત થાય છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા કહે છે. જે અત્યાર સુધી કેલેન્ડર વર્ષમાં નોંધાયેલાં મોતોમાં સૌથી વધુ છે. જેથી કેન્દ્ર સરકાર વાહન કંપનીઓ માટે ઓક્ટોબરથી આઠ સીટવાળાં વાહનોમાં કમસે કમ છ એરબેગને ફરજિયાત કરે એવી શક્યતા છે. કેન્દ્રીય રોડ અને પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ પગલું વાહનોમાં પેસેન્જરોની સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવી રહ્યું છે.

આ પહેલાં આ વર્ષે રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે વાહન યાત્રીઓની સુરક્ષા માટે કેન્દ્રીય મોટર નિયમ 1989માં સંશોધનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વાહનોમાં સુરક્ષા વધારી શકાય.

જોકે સાયરસ મિસ્ત્રીના રોડ અકસ્માતમાં થયેલા નિધન પછી રસ્તા પર પેસેન્જરોની સુરક્ષાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમણે પાછલી સીટ પર સીટ બેલ્ટ હોવા છતાં તેનો ઉપયોગ નહોતો કર્યો.

આ ઘટનાએ સરકારને સીટ બેલ્ટથી જોડાયેલી નિયમો પર ફરી વિચાર કરવા માટે મજબૂર કરી છે. હવે રોડ પરિવહન અને હાઇવેઝ મંત્રાલય જલદી સીટ બેલ્ટ વોર્નિંગ અલાર્ટને અટકાવવા માટે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે. બજારમાં એવી કેટલીય ક્લિપો વેચાઈ રહી છે, જેનાથી સીટ બેલ્ટ અલાર્મને બંધ કરવામાં આવે છે. જેના પર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે. મંત્રાલય સીટ બેલ્ટ અલાર્મ પરની સ્ટોપર્સ પર પ્રતિબંધ, કારોમાં છ એરબેગ સહિત અન્ય મહત્ત્વના નિર્ણયો લેવી શક્યતા છે.