મુંબઈના પોલીસ કમિશનર દ્વારા ડૉ. અમર કુમાર પાંડેના પુસ્તકનું વિમોચન

મુંબઈઃ રવિવારની સમી સાંજે (17 એપ્રિલે) મુંબઈના બીકેસી વિસ્તારમાં આવેલા મુંબઈ ક્રિકેટ ઍસોસિએશનના રિક્રિએશન સેન્ટરમાં શહેરના પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આઈપીએસ અફસર (નિવૃત્ત) ડૉ. અમર કુમાર પાંડેના પુસ્તક ‘એ ‘ડૉન્સ નેમેસીસ’નું વિમોચન કર્યું ત્યારે આ અવસરને પોલીસ, સિવિલ સોસાયટી તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઉપસ્થિત મહાનુભાવોએ તાળીના ગડગડાટથી વધાવી લીધો.

આ પુસ્તકમાં ડૉ. અમર કુમારે એક સમયના માફિયા ડૉન રવિ પુજારીનો પીછો પકડી એને કેવી રીતે ઝડપ્યો હતો એના સ્વાનુભવની સિલસિલાબંધ વિગતનું આલેખન કર્યું છે. વિમોચન બાદ અત્રે ઉપસ્થિત નિર્માતા રાકેશ ડાંગ અને દિગ્દર્શક ઉમેશ શુક્લાએ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી.

ઉલ્લેખનીય છે કે 1990ના દાયકામાં પરદેશથી ભારતમાં એક્સટોર્શનનો કારભાર ચલાવનાર, ખાસ તો બોલિવૂડને ધાકધમકીથી ધ્રુજાવનાર ડૉન રવિ પૂજારીને છેલ્લા અઢી દાયકાથી કોઈએ જોયો નહોતો કે ન એની કોઈ તસવીર આવી હતી. આવા સંજોગોમાં એને છેક વેસ્ટ આફ્રિકાના અંતરિયાળ વિસ્તાર સેનેગલમાંથી શોધવો, શોધીને એની ઓળખ પાકી કરવી, અને એને ત્યાંથી ભારત લઈ આવીને જેલના સળિયા પાછળ ધકેલવા જેવું લગભગ અશક્ય લાગતું કાર્ય ડૉ. અમર કુમાર પાંડેએ 2020ના ફેબ્રઆરીમાં કર્યું. રવિ હાલ નવી મુંબઈની જેલમાં છે.

મૂળ બિહારના ભાગલપુરથી આવતા અને ઈન્ડિયન પોલીસ સર્વિસના 1989ના બેચના બાહોશ પોલીસ અધિકારી ડૉ. અમર કુમાર પાંડેએ આ અવસરે કહ્યું કે “રવિ પુજારીની અરેસ્ટ એ મારી કારકિર્દીનો સૌથી પડકાર રૂપ અને યાદગાર કેસ રહ્યો,” તો ‘મેરી ગો રાઉન્ડ સ્ટુડિયોઝ’ના નિર્માતા-દિગ્દર્શક તથા ‘ઓ માય ગૉડ’ જેવી નેશનલ એવૉર્ડથી સમ્માનિત ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું કે “આ એક એવી સત્ય ઘટના છે, જેના વિશે દેશ જાણે એ જરૂરી છે.” ઉમેશ શુક્લાનો ‘મેરી ગો રાઉન્ડ સ્ટુડિયોઝ’ ઉપરાંત ‘સીતા ફિલ્મ્સ ઍન્ડ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ’ના રાકેશ ડાંગ, આશિષ વાઘ અને મધુકર વર્મા મળીને આ રોમાંચક થ્રિલરનું સર્જન કરી રહ્યા છે. ફિલ્મના કલાકાર-કસબી વિશેની વધુ માહિતી ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.