મુંબઈઃ કોરોના વાઈરસે આખી દુનિયાને ભરડો લીધો છે. હજી જોખમ ટળ્યું નથી. રોજ કોરોનાના કેસો અને મૃત્યુ વધતા જોવા મળે છે. મુંબઈ શહેર પણ બાકાત નથી. તે છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ મહાનગરને પૂર્વવત્ કરવા માટે મક્કમ છે. એમણે કહ્યું છે કે, મુંબઈને પૂર્વ સ્થિતિમાં ફરી લાવવાનું છે. એ માટે હવે જ ખરી કસોટી છે તેથી નાગરિકોએ જરાય ગાફેલ રહેવાનું નથી.
ઠાકરેએ કહ્યું કે, મુંબઈમાં લોકવસ્તીની ઘનતા વધારે હોવાને કારણે કોરોના વાઈરસ અહીં કેવો હાહાકાર મચાવે છે એની પર આખી દુનિયાની નજર મંડાયેલી હતી, પરંતુ આપણે – પ્રશાસન તથા નાગરિકો, બંનેના સહિયારા પ્રયાસોને કારણે કોરોનાનો ચેપ અટકાવી શકાયો. એની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ લીધી છે અને અમેરિકાના અગ્રગણ્ય વોશિંગ્ટન પોસ્ટ અખબારે પણ પ્રશંસા કરી છે.
દુનિયાભરમાં જે પ્રકારે નિરીક્ષણ કરવામાં આવે છે તે મુજબ હવે કોરોનાનો બીજો લાટ આવશે એવું કહેવાય છે. તેથી હવે આપણી કસોટી થશે. એ માટે કોઈએ ગાફેલ રહેવાનું નથી. મુંબઈને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનું છે, એમ મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું છે.
મુંબઈમાં કોરોના વાઈરસનો ચેપ રોકવાની સાથે ચોમાસાની મોસમમાં ઉદ્દભવતી સમસ્યાઓનો ઠાકરેએ વિડિયો કોન્ફરન્સ મારફત તાગ મેળવ્યો હતો.
ઠાકરેએ કહ્યું છે કે આપણે મુંબઈને ધીમે ધીમે ખોલી રહ્યા છીએ. એ માટે આપણે કોઈના દબાણને વશ થવાને બદલે આપણા નાગરિકોના જાનને મહત્ત્વ આપીએ છીએ. મુંબઈને સૌ કોઈના અનુભવના આધારે પૂર્વ સ્થિતિમાં લાવવાનું છે.
કોરોના સામેના જંગમાં ઉતરેલા અધિકારીઓ-કર્મચારીઓની મહેનતની મુખ્ય પ્રધાને સરાહના કરી છે. એમણે કહ્યું કે આ કામગીરી બજાવતી વખતે દરેક યોદ્ધાએ પોતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. મુંબઈની પરિસ્થિતિ તમારા સૌની દિવસ-રાતની મહેનતને કારણે જળવાઈ શકી છે. આ કામગીરીની વિશ્વ આરોગ્ય સંસ્થા અને વોશિંગ્ટન પોસ્ટ અખબારે નોંધ લીધી છે, પ્રશંસા કરી છે. આપણે કોઈ પણ માહિતી છુપાવતા નથી. હવે કોરોનાનું બીજું મોજું આવશે એવો સંકેત કરાયો છે. પરંતુ બીજું મોજું તો જ આવશે જો આપણે ગાફેલ રહીશું. તેથી આપણે અતિરિક્ત સતર્ક રહેવાનું છે.