નાંદેડની 53 વર્ષી મહિલાને મુંબઈની અંબાણી હોસ્પિટલમાં નવજીવન મળ્યું

કોકિલાબેન અંબાણી હોસ્પિટલે કોવિડ-19 રોગચાળા દરમિયાન
પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

મુંબઈ, 21 જુલાઈ 2020: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (KDAH)એ કોવિડ-19 રોગચાળા દરમિયાન મુંબઈની પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થવાની જાહેરાત કરી છે.

નાંદેડની 53 વર્ષી મહિલાનું હાર્ટ ગંભીર રીતે ફેઇલ થયું હતું. દરમિયાન કોવિડ-19 રોગચાળાની શરૂઆત થઈ એટલે એમને નવું હૃદય મળવાની શક્યતામાં ઘટાડો થયો હતો. જો કે 18 જુલાઈના રોજ એક દાતાનું હાર્ટ મળતાં KDAHના ડૉ. નંદકિશોર કાપડિયાએ એમની ટીમ સાથે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી.

દર્દીની સ્થિતિ વિશે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. નંદકિશોર કાપડિયાએ કહ્યું હતું કે, “મહિલા દર્દીએ 2009માં ઓપન હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. 2012માં એમની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે તેમના હૃદયને નિવારી ન શકાય એવું નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું, જે છેવટે ફેઇલ્યોર તરફ દોરી ગયું હતું. છેલ્લા છ મહિનાથીએ પથારીવશ હતાં. વળી વાલ્વ રિપ્લેસમેન્ટને કારણે લોહીને પાતળી કરતી દવાઓ લેતાં હોવાથી સર્જરી દરમિયાન રક્તનું ઘણું વહન થયું હતું. પરિણામે ટ્રાન્સપ્લાન્ટની જટિલતામાં વધારો થયો હતો. ઉપરાંત આ પ્રકારના દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી હોય છે અને હાલની કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે વધારે ધ્યાન રાખવું પડ્યું. જો કે ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને દર્દી સ્વસ્થ થઈ રહ્યાં છે.”

ટ્રાન્સપ્લાન્ટની સફળતા ટ્રાફિક પોલીસ અને ઓથોરિટીઝના સાથસહકારને આભારી છે, જેમણે ગ્રીન કોરિડોરની સુવિધા પૂરી પાડવા પ્રશંસનીય કામગીરી કરી હતી. પરિણામે પ્રત્યારોપણ કરવા માટે હાર્ટનું ઝડપથી અને સલામત રીતે ટ્રાન્સપોર્ટ સુનિશ્ચિત થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]