કોરોનાઃ મુંબઈમાં 97% માતા-પિતા શાળા ફરી ખોલાય એની વિરુદ્ધમાં છે

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસ રોગચાળાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની વાતો કરે છે, પણ કોઈ માતા-પિતા હાલના સંજોગોમાં એમના સંતાનોને શાળામાં મોકલવા ઈચ્છતા નથી.

એક સર્વેક્ષણ અનુસાર, મુંબઈમાં 97% માતા-પિતા અને વાલીઓ હાલ કોરોનાના સંજોગોમાં શાળાઓ ફરી ખોલવામાં આવે એની વિરુદ્ધમાં છે.

બહુમતી માતા-પિતાનું કહેવું છે કે શાળાઓ ફરી ખોલવાનો વિચાર ત્યારે કરવો જોઈએ જ્યારે રાજ્યમાં 21 દિવસો સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાય નહીં.

સામુદાયિક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘લોકલ સર્કલ્સ’ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. એમાં 10,500 જેટલા માતા-પિતા અને વાલીઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

જોકે મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં શાળાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મુંબઈમાં મોટા ભાગનાં માતા-પિતા શારીરિક રૂપે શાળાઓ ફરી ખોલવાની તરફેણમાં નથી.

સર્વેમાં 61 ટકા પુરુષો અને 39 ટકા મહિલાઓનો સમાવેશ કરાયો હતો. 70 ટકા માતા-પિતાએ કહ્યું કે એમનાં બાળકોનાં ઓનલાઈન વર્ગો સફળતાપૂર્વક શરૂ થઈ ગયા છે.

માત્ર 3 ટકા માતા-પિતાએ કહ્યું કે શાળાઓને 1 ઓગસ્ટ, 2020થી ફરી ખોલવી જોઈએ.

બહુમતી માતા-પિતા, વાલીઓએ કહ્યું કે પહેલા રાજ્યને કોરોના-મુક્ત કરો, કોરોનાની રસી બહાર આવી જાય તે પછી જ શાળાઓ ફરી ખોલવી જોઈએ.

મુંબઈમાં કોરોનાના ઝીરો કેસ નોંધાય તે પછી જ શાળાઓ ફરી શરૂ કરવી જોઈએ.

બાળકોની સ્કૂલ ફીના મુદ્દે પણ 88 ટકા માતા-પિતાએ કહ્યું કે ફીનાં માળખામાં ફેરફાર કરવો જોઈએ.