પ્રખર-સિદ્ધહસ્ત-પત્રકાર નગીનદાસ સંઘવીને સ્મરણાંજલિ

મુંબઈઃ નગીનબાપા જેવા માનાર્થે, છતાં હુલામણા નામે સર્વપ્રિય એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીના નામ આગળ સ્વર્ગસ્થ ઉમેરાઈ ગયું છે.

૧૦૦ વરસનું રચનાત્મક-સર્જનાત્મક અને લાખો લોકોને પ્રેરણા આપે એવું જીવન જીવી જનારા નગીનભાઈ એક પ્રાધ્યાપક, પ્રાચાર્ય, ઈતિહાસકાર, લેખક, સમીક્ષક, વિચારક, સ્પષ્ટવક્તા હોવા ઉપરાંત સદા સાદગીભર્યા જીવન સાથે અજબની ખુમારી ધરાવતા આદમી હતા. જીવનની છેલ્લી ઘડી સુધી લેખનકાર્યમાં વ્યસ્ત રહેનારા આ કર્મયોગીની સ્મૃતિમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન, ગુજરાતી ભાષા ભવન, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને સંવિત્તિ દ્વારા આયોજિત આ સ્મૃતિસભામાં આદરણીય-પૂજ્ય મોરારિબાપુ સ્વર્ગીય નગીનદાસભાઈ વિશે પોતાનાં વિશેષ સંસ્મરણો વાગોળશે…

એ જ રીતે, નગીનદાસભાઈના જૂના મિત્ર અને સાહિત્યકાર દિનકર જોષી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ મહેતા, મહેશ ચંદારાણા, પ્રાધ્યાપક વિજય પંડ્યા તથા લેખક-કૉલમકાર દીપક સોલિયા પણ એમની આગવી રીતે નગીનદાસભાઈને યાદ કરશે. આ સ્મૃતિ અવસરે યુવા સંગીત વિશારદ હાર્દિક ભટ્ટ પ્રાર્થાગીત રજૂ કરશે.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ સ્મૃતિસભાનું આયોજન ડિજિટલ સ્વરૂપે ‘ઝૂમ ઍપ’ના માધ્યમથી ગોઠવવામાં આવ્યું છે.

દિવસ: ૨૪ જુલાઈ, શુક્રવાર

સમય: સાંજના ૬:૩૦ કલાકે…

નોંધ: બે દિવસ બાદ આ સ્મૃતિસભા યુટ્યૂબ પર નિહાળી શકાશે.