મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈ મહાનગરપાલિકા તંત્રને આદેશ આપ્યો છે કે શહેરમાંના ગેરકાયદેસર બાંધકામો સામે તે કડક અને તાત્કાલિક પગલાં લે. આ કામ યુદ્ધના ધોરણે ઝડપી થવું જોઈએ. આ માટે મહાપાલિકા તંત્રને રાજ્ય સરકાર પૂરી સહાયતા કરશે. ઉદ્ધવ ઠાકરેએ આજે મહાપાલિકાના અધિકારીઓ સાથેની બેઠકમાં આમ કહ્યું હતું.
બેઠકમાં એવી નોંધ લેવાઈ હતી કે શહેરના પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવેની આસપાસ મોટા પાયે કાટમાળ ઠાલવવામાં આવે છે. ઠાકરેએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ બંને હાઈવે પર સીસીટીવી કેમેરા બેસાડે અને કાટમાળ ઠાલવનારાઓ સામે તત્કાળ કડક પગલાં ભરે. તે ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ, શેરીઓની હાલત સુધારવા તેમજ સ્વચ્છતા અને નાગરી સુવિધાઓના અમલ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આપણે મુંબઈને દેશનું આદર્શ શહેર બનાવવાનું છે.
