‘સમીર વાનખેડેને જેલમાં નખાવીને-રહીશ’: નવાબ મલિકનો પડકાર

મુંબઈઃ મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારી સમીર વાનખેડેને ફરી પડકાર ફેંક્યો છે અને એનસીબીની કાર્યવાહી તથા ભાજપના નેતાઓની તેમણે આકરી ટીકા કરી છે. મલિકે પુણે જિલ્લાના માવળ ખાતે અલ્પસંખ્યક વિભાગ કાર્યકર્તાઓની એક સભામાં કહ્યું હતું કે સમીર વાનખેડેની નોકરી જશે, એ જેલમાં જશે એ નિશ્ચિત છે.

મલિકે કહ્યું કે એક જ વર્ષમાં સમીર વાનખેડેને જેલમાં નખાવીશ. એમણે જ મારા જમાઈને જેલમાં નખાવ્યા હતા અને હવે ફોન કરે છે કે એની સાથે મારો કોઈ સંબંધ નથી. સમીર વાનખેડેને જેલમાં નખાવ્યા વિના હું ચૂપ બેસવાનો નથી. એનસીબી ખોટા કેસ નોંધે છે એ સાબિત કર્યા વિના રહેવાનો નથી. આ અધિકારી અને ભાજપના નેતા લોકો પર દબાણ ઊભું કરીને આ તપાસ એજન્સી મારફત મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનો વસૂલીનો ધંધો ચલાવે છે. એ લોકોનું કૌભાંડ ઉઘાડું પાડીશ. હું સમીર વાનખેડેને પડકાર ફેંકું છું કે એક વર્ષની અંદર એમની નોકરી જશે. તું અમને જેલમાં નાખવા આગળ વધ્યા હતા. હવે દેશની જનતા તને જેલમાં જતો જોશે. તું કેટલો બોગસ માણસ છે એનો અમારી પાસે પુરાવો છે. આગામી સમયમાં હું એ પુરાવા જાહેર કરીશ. ઈડી, સીબીઆઈ, એનસીબી સંસ્થાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો દાવ ચલાવવામાં આવી રહ્યો છે, પણ એનાથી અમારા એકેય પ્રધાન ગભરાવાના નથી. માજી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે, અડધું પ્રધાનમંડળ જેલમાં જશે. આવી પોકળ ધમકીઓથી મહાવિકાસ આઘાડીની સરકાર ગભરાય એવી નથી. તમને નેસ્તનાબૂદ કર્યા વિના હું ચૂપ બેસવાનો નથી.