મુંબઈઃ આ મહાનગરની જીવનદોરી તરીકે ઓળખાતી લોકલ ટ્રેન સેવા ફરી શરૂ થવાની સાથે રોજિંદું જનજીવન ક્યારથી પ્રસ્થાપિત થાય છે એની રાહ જોતાં મુંબઈગરાંઓ માટે આનંદના સમાચાર છે. આવતી 1 નવેમ્બરથી મુંબઈની લોકલ ટ્રેન સેવા અને ઓફિસો તેમજ 2021ની 1 જાન્યુઆરીથી શાળાઓ ફરી શરૂ કરી શકાય એમ છે.
આવો વિશ્વાસ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સંદર્ભનો એક અહેવાલ આ સંસ્થાએ મુંબઈ મહાનગરપાલિકાને સુપરત કર્યો છે.
TIFR સંસ્થાએ કોવિડ-19ના ગણિતના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે.
અહેવાલ અનુસાર, મુંબઈ શહેરમાં દૈનિક વ્યવહાર 30 ટકા સુધી શરૂ કરી શકાય. ઓક્ટોબરમાં એ ક્ષમતા 50 ટકા સુધી વધારી શકાશે. ત્યારબાદ 1 નવેમ્બરથી સંપૂર્ણ શહેરમાં જનજીવન પૂર્ણપણે શરૂ કરી શકાશે.
એવી જ રીતે, સરકાર પ્રેરિત નિયમાવલી અને માર્ગદર્શિકા અનુસાર ઓફિસો તથા જાહેર પરિવહન સેવા સૌને માટે ફરી શરૂ કરી શકાય.
લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવાનો રહેશે, મોઢા પર માસ્ક પહેરવો પડશે, હાથને સ્વચ્છ રાખવા પડશે, વાહનો અને કામકાજની ઓફિસો-સ્થળોને નિયમિત રીતે જંતુમુક્ત કરવા વગેરે શરતોનું પાલન કરવાનું રહેશે.
મુંબઈમાં શાળાઓ 2021ની 1 જાન્યુઆરીથી શરૂ કરવાની ભલામણ સ્કૂલ ઓફ ટેક્નોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સના સંચાલક સંદીપ જુનેજા, પ્રહલાદ હર્ષ અને રામપ્રસાદ સપ્તર્ષીએ એમના અહેવાલમાં કરી છે.