મુંબઈઃ શહેરના અગ્નિશામક દળના 30 જવાનોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આમાંના એક જવાનનું નિધન થયું છે.
અગ્નિશામક દળમાં કોરોનાને કારણે થયેલું આ પહેલું મરણ છે.
કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્નિશામક દળ પણ મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યું છે.
મહાબીમારીમાં લોકોને બચાવવા માટે મહાનગરપાલિકાના અતિ આવશ્યક સેવાઓના કર્મચારીઓની સાથે અગ્નિશામક દળના જવાનો પણ કામગીરી બજાવી રહ્યા છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં જંતુમુક્ત કરવાની કામગીરી બજાવતી વખતે અગ્નિશામક દળના એક કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ જવાન 57 વર્ષના હતા. તેઓ ગ્રાન્ટ રોડના ગોવાલિયા ટેન્ક વિસ્તારના અગ્નિશામક કેન્દ્રમાં સેવા બજાવતા હતા.
એ જવાનને ગઈ 24 મેએ જે.જે. હોસ્પિટલમાં બીમાર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા જ સમયમાં એમનું નિધન થયું હતું. આજે સવારે એ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ એમનું મૃત્યુ કોરોના થયું હોવાનું માલૂમ પડ્યું હતું.