બે દિવસથી લાપતા છે મુંબઈનો ગુજરાતી એક્ટર

મુંબઈ – ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા યુવા કલાકાર અને સહાયક દિગ્દર્શક શ્યામ પ્રફુલ માખેચા ગુરુવાર, 31 મેની સવારથી ખોવાયો છે. ગુરુવારે સવારે તે કાંદિવલી સ્થિત ઓફિસે જવા ઘરેથી નીકળ્યો પણ ઓફિસે ગયો નહીં. રોજની જેમ પોતાનું બાઇક પણ તે લઈ ગયો નહોતો. જોકે ઘરેથી નીકળતી વખતે તો એ એમ જ કહીને નીક્ળ્યો હતો કે હું ઓફિસે જાઉં છું. એ પછી તરત તેના બેઉ મોબાઇલ નંબર સ્વિચ્ડ ઓફ્ફ થઈ ગયા અને અત્યાર સુધી તે કોઈના સંપર્કમાં આવ્યો નથી.

ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલા ગુજરાતી નાટક ‘પદ્માવતી’માં શ્યામે સહાયક દિગ્દર્શકની જવાબદારી નિભાવી હતી. યોગાનુયોગે ‘પદ્માવતી’નો શુભારંભ પ્રયોગ અને શ્યામનાં લગ્નનો દિવસ, એમ બેઉ ૧૮મી ફેબ્રુઆરી હતા. ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્રના જીવન પર આધારિત નાટક ‘યુગપુરુષ’ની એક ટીમમાં પણ શ્યામ હતો અને નાટકમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો.

સ્વભાવે શાંત અને સરળ શ્યામ લગ્ન પછી નોકરીએ પણ લાગ્યો હતો. તેનું ઘર અને ઓફિસ બંને કાંદિવલીમાં છે. ઘરે કે ઓફિસે કોઈ પ્રકારની અઘટિત ઘટના તેના ખોવાઈ જવાના આગલા દિવસ સુધી નોંધાઈ નહોતી. તેને કારણે તેના સ્વજનો તથા મિત્રો ચિંતાગ્રસ્ત છે.

શ્યામના પરિવારે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં તેના ખોવાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. શ્યામના મોબાઇલની વિગતો જાણવા ઉપરાંત જે બેન્કમાંથી તેણે ખોવાઈ જતાં પહેલાં થોડા રૂપિયા કઢાવ્યા હતા તેના વીડિયો ફૂટેજ સહિત અન્ય વિગતો થકી પોલીસ તપાસ કરી રહી છે.

શ્યામ માખેચા વિશે જે કોઈને માહિતી મળે તો એના પિતા પ્રફુલભાઈને ફોન નંબર 9082468469 અથવા સંજય વી. શાહને 9821066266 ફોન નંબર પર જાણ કરવી.