ચાર લોકસભા અને 7 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી કર્ણાટકની ચૂંટણીની પાછળપાછળ જ આવી, તેના કારણે પરિણામોમાં સૌને રસ પડવાનો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચા કૈરાના લોકસભા બેઠકની થઈ. આ બેઠક પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવેલી અને ભાજપ માટે તથા સંયુક્ત વિપક્ષ માટે અગત્યની ગણાતી હતી. પાલઘરમાં શિવસેનાએ ચેલેન્જ આપેલી, પણ કોંગ્રેસ તથા વિકાસ અઘાડીના ઉમેદવારની હાજરીને કારણે મતો વહેંચાઈ ગયા અને ભાજપને હરાવવાનું સપનું પૂરું થયું નહિ. એ સપનું યુપીમાં પૂરું થયું અને વધુ એકવાર થયું તેથી કૈરાનાની વધારે ચર્ચા રહી.થોડા મહિના પહેલાં યુપીમાં બીજી બે લોકસભાની બેઠકોની પેટાચૂંટણી હતી. ગોરખપુર અને ફૂલપુર – ગોરખપુર યોગી આદિત્યનાથે ખાલી કરેલી બેઠક, જ્યારે ફૂલપુર નાયબ મુખ્યપ્રધાને ખાલી કરેલી બેઠક. આ બેઠક પણ વિપક્ષો એક થયાં એટલે ભાજપ હાર્યો, પરંતુ વિપક્ષ એકતાનો વધુ મોટો નમૂનો કૈરાનામાં જોવા મળ્યો. પશ્ચિમ યુપીમાં જાટની વસતિ વધારે છે અને આ ચૌધરી ચરણસિંહનો વિસ્તાર હજીય ગણાય છે. તેમના પૌત્ર જયંત ચૌધરી ત્રીજી પેઢી તરીકે વારસો સંભાળવા તૈયાર છે, પણ છેલ્લી બે ચૂંટણીમાં તેમને જાટ વોટ સાથે મુસ્લિમ કે અન્ય કોમ્બિનેશન કરવાની તક મળી નહોતી. આ વખતે તે તક મળી. બીએસપી અને કોંગ્રેસે પણ ઉમેદવારો ઊભા રાખ્યા ના હોવાથી દલિત મતો પણ ચૌધરીના પક્ષ આરએલડી (રાષ્ટ્રીય લોક દળ)ને મળ્યાં.
બે મહિલાના ઉમેદવારો સામસામે હતા. ભાજપના જૂના નેતા હુકુમ સિંહના અવસાન પછી તેમના પુત્રી મૃગાંકા સિંહ હતા, જ્યારે સામે તબસ્સુબ હસન. તબસ્સુમના પતિ પણ રાજકારણમાં હતા. (તેમના પતિ મૂળ જનતા દળમાં હતા અને બાદમાં એસપીમાં જોડાયા હતા. તેમના અવસાન બાદ તબસ્સુબ બીએસપીમાં ગયા હતા અને સાંસદ બન્યા હતા.) તબસ્સુમ એસપી અને બીએસપી બંનેમાં રહી ચૂક્યા છે અને છેવટે આરએલડીમાં આવ્યા છે. છેલ્લી ઘડીએ તેઓ જોડાયા, કેમ કે આ વિસ્તારમાં આરએલડીને ટિકિટો આપવી તેવી સમજૂતિ વિપક્ષોમાં થઈ હતી. તેનો અર્થ એ થયો કે એસપી અને બીએસપી સાથે હવે આરએલડીનું ગઠબંધન પણ પાકું સમજવાનું છે.કૈરાનામાં સાડા પાંચ લાખ મુસ્લિમ મતો છે. તેની સામે જાટ મતો માત્ર દોઢ લાખ છે. તેથી જાટ લોકોને સમજાવવું જરૂરી હતું કે હિન્દુત્વના નામે મુઝફ્ફરનગર રમખાણ પછી મતોનું ધ્રુવીકરણ થયું તે હિન્દુઓ માટે સારું હશે, પણ જાટ માટે અને જાટ લોકોના પક્ષ આરએલડી માટે સારું નથી. તેથી જયંત ચૌધરીએ ગામેગામે ફરીને જાટ લોકોને ફરીને સમજાવ્યાં હતાં કે મુસ્લિમ ઉમેદવાર હોવા છતાં મત આપજો. મતદાન ઓછું થયું હતું, છતાં તબસ્સુમ હસને 4.81 લાખ મતો મળ્યાં. તેનો અર્થ એ કે જાટના મતો સંપૂર્ણ નથી મળ્યા. ભાજપના ઉમેદવારને પણ 4.36 લાખ મતો મળ્યાં છે એટલે ભાજપે ટક્કર આપી છે.
પણ આ ટક્કર બધા જ પક્ષો ભેગા થાય ત્યારે પૂરતી નથી તે ભાજપે કૈરાનામાંથી સમજી લીધું છે. કોઈ પણ એક પક્ષનો ઉમેદવાર ઊભો રહ્યો હોત, એસપી કે બીએસપી કે કોંગ્રેસનો તો ભાજપ જીતી ગયો હોત. પાલઘરમાં કોંગ્રેસ 46,000 મતો લઈ ગઈ અને ભાજપ સેનાને હરાવીને જીતી ગયો. ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ સાત ટકા મતોની સામે 35 ટકા મતો લઈને બીડા સ્થાને રહ્યો છે. તેથી ટક્કર બરાબરની છે અને દરેક પક્ષે નાનામાં નાની ગણતરી કરવી પડશે.
અખિલેષ યાદવે કૈરાનાની ચૂંટણી પછી ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા હતા. ચરણસિંહના પુત્ર અજિત સિંહને રાજકારણ કરતાં બરાબર આવડ્યું નથી અને તેમણે વારસો સંભાળ્યો નહોતો, પરંતુ તેમનો દીકરો જયંત ચૌધરી હવે મેદાનમાં છે. તેનો અર્થ એ થયો કે મુલાયમ પુત્ર, અજિત પુત્ર અને સોનિયા પુત્ર ત્રણેય યુપીમાં ભાજપને માત્ર લોકસભામાં નહિ, વિધાનસભામાં પણ હરાવવા માગે છે. ચોથા લાલુ પુત્ર તેજસ્વી યાદવ પણ બિહારની પેટાચૂંટણીમાં નીતિશના જેડીયુને હરાવીને ખુશ હતા. તેમની ગણતરી જોકે ઊંધી વળે તેમ લાગે છે, કેમ કે નીતિશના પક્ષે એકાદ અઠવાડિયાથી નોટબંધીને યાદ કરીને, પહેલાં ટેકો આપ્યો હતો, પણ હવે તેના બુરા પરિણામો દેખાય છે તેમ કહીને ભાજપથી છેટું રાખવાની વાત કરવા માંડી છે. બિહારમાં ત્રીપાંખીયો જંગ થાય તો માત્ર ભાજપને જ ફાયદો થાય, તેજસ્વીને સીધા ફાઇટનો લાભ મળે નહિ.
જયંત ચૌધરીએ પણ વિધાનસભાને ધ્યાનમાં રાખીને લોકસભાની પેટાચૂંટણી લડી, કેમ કે પશ્ચિમ યુપીમાં આવેલા દસેક જિલ્લામાં તેમણે ભાજપનો વિરોધ કરીને જાટ અને મુસ્લિમ મતોને એક કરવા પડે. સાથેસાથે દલિત અને ઓબીસીના મતો બીએસપી અને એસપીમાં વેડફાઇ ના જાય તે જોવું પડે. કૈરાના, ફતેપુર સિક્રી, મથુરા, અલીગઢ, બાગપેટ, હાથરસ, બીજનૌર, ગાઝિયાબાદ, મેરઠ અને મુઝફ્ફરનગરમાં જાટ અને મુસ્લિમ મતો સાથે બીજા મતો જોડવા પડે. 2013માં મુઝફ્ફરનગરમાં રમખાણો થયા તેના કારણે 2014માં ભાજપ બધી જ બેઠકો જીતી ગયું હતું. 2017ની ચૂંટણીમાં પણ વિપક્ષો અલગ અલગ લડ્યા એટલે આરએલડી તેમાં પણ ધોવાઈ ગયું. તેના કારણે એસપી અને બીએસપીની જેમ આરએલડી માટે પણ અસ્તિત્ત્વનો સવાલ આવીને ઊભો રહ્યો છે.
મુઝફ્ફર રમખાણો પછી જાટ મતો મુસ્લિમ મતોની સામે ભાજપ તરફ ઢળ્યા હતા. તેમને અટકાવવા માટે આ વખતે જિન્ના વિરુદ્ધ ગન્નાનો મુદ્દો આપણા માટે અગત્યનો છે એવો પ્રચાર આરએલડીએ કરવો પડ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર લાગેલી છે તે વારેવારે યાદ કરાવીને ભાજપે હિન્દુ મતો માટે પ્રયાસો કર્યા, પરંતુ આરએલડીએ શેરડીના ટેકાના ભાવ મળ્યા નથી અને ખેડૂતોને ચૂકવણું થયું નથી તે જ મુદ્દો પકડી રાખ્યો હતો. જિન્ના નહિ, ગન્ના એ વાત જાટ ખેડૂતોને અત્યારે માફક આવી છે.
પરંતુ આગામી દિવસોમાં પણ તે માફક આવશે કે કેમ તે જોવાનું રહેશે. ભાજપના મતોમાં ખાસ ઘટાડો થયો નથી. પોતાના ટેકેદારોને જાળવી રાખવા ઉપરાંત છેલ્લા દસેક વર્ષમાં આકર્ષેલા યુવાન મતદારોને પણ ભાજપ જાળવી શક્યું છે. એક વર્ષમાં હજી બીજા યુવાન મતદારો ઉમેરવાના છે. ભાજપ નરેન્દ્ર મોદીની ઇમેજના કારણે તેમને પોતાની તરફ વાળી શકશે. એ સંજોગોમાં વિપક્ષોએ માત્ર બેઠકોની સમજૂતિ કરવા ઉપરાંત મુદ્દાઓ વિશે પણ વિચારવું પડશે.
નરેન્દ્ર મોદી હટાવ, ભાજપ હટાવ એ મુદ્દો ઊંધો પણ પડી શકે. ઇન્દિરા ગાંધીએ એક જમાનામાં કહ્યું હતું તે પ્રમાણે મેં કહેતી હું ગરીબી હટાવ, વહ કહેતે હૈ ઇન્દિરા હટાવ. આ જ સ્લોગન મોદીને કામ લાગે તેવું છે – હું કહું છું નાત-જાતના ભેદભાવ હટાવીને વિકાસની વાત કરો, તે લોકો કહે છે કે મોદીને હટાવો.
જોકે ભાજપે પણ ગોરખપુર અને ફુલપુર પછી કૈરાનામાં પણ હિન્દુત્વના નામે કોન્સોલિડેશન નથી થઈ શક્યું તે યાદ રાખવું રહ્યું. સાવ નથી થયું તેવું પણ નથી, પણ તે પૂરતું નથી તે ગણતરીમાં લેવું પડશે. કોન્સોલિડેશન સાથે 40થી 45 ટકા મતો મેળવી શકાય, પણ સામે મતોનું વિભાજન થવું જોઈએ. સામે બધા જ પક્ષોએ એકઠા થાય એટલે 45 સામે 50 ટકા મતોથી વિપક્ષ જીતવાનો છે.ભાજપના નેતાઓ કહેવા લાગ્યા છે કે આ ગણિત તેમના ધ્યાનમાં જ છે. ભાજપ સંગઠનની છેલ્લી કેટલીક બેઠકોમાં પક્ષપ્રમુખ અમિત શાહે કાર્યકરોને નવું ટાર્ગેટ પણ આપવાનું શરૂ કર્યું છે. ભાજપે હવે 35 ટકા મતો મેળવવા અને વિપક્ષના મતોમાં ભાગલા પાડવા તેનાથી ચાલશે નહિ. તેમણે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ભાજપે 50 પ્લસ મતો માટે જ કોશિશ કરવાની છે. કઈ રીતે થઈ શકશે તેની જાહેરમાં ચર્ચા નથી થઈ, પણ ભાજપ તેના માટે આંતરિક સ્ટ્રેટેજી ચોક્કસ તૈયાર કરશે. ભાજપનો મૂળભૂત ટેકેદાર વર્ગ લગભગ 30 ટકા સુધી પહોંચ્યો છે. નવી પેઢી, યુવાનો અને મહિલાઓના મતો નરેન્દ્ર મોદીના કારણે મળે છે તેથી પાંચથી સાત ટકા મતોનો ઉમેરો થાય છે. ભાજપે ઓબીસી અને દલિત-આદિવાસી નેતાઓને પણ વધારે ટિકિટો આપવાની નીતિ અપનાવી છે. તેના કારણે જ્ઞાતિ ગણતરી પ્રમાણે અને કર્ણાટકમાં જોવા મળ્યું હતું તે પ્રમાણે રેડ્ડી બંધુઓ જેવા સ્થાનિક મજબૂત નેતાઓને સાથે લેવાનું શરૂ કર્યું છે. ગમે તેવા બદનામ હોય, ગમે તે પક્ષના હોય, ભાજપથી વિરુદ્ધની વિચારધારાના હોય તો પણ તેમને ભાજપમાં લઈ આવવા અને ટિકિટો આપવી. તે સ્ટ્રેટેજીને કારણે પાંચથી સાત ટકા મતો વધારાના મળે છે. તેનો અર્થ એ થયો કે 45થી 48 ટકા સુધી પહોંચવાની ફોર્મુલા જુદી જુદી રીતે અજમાયશમાં આવી ગઈ છે.
પરંતુ 48થી 51 ટકા પહોંચવું કપરું છે. તેથી જ કૈરાનાનું ઉદાહરણ સૌથી અગત્યનું બન્યું છે. એસબી, બીએસપી અને આરએલડી એક થાય ત્યારે 48થી અડધો ટકો પણ આગળ વધવું મુશ્કેલ બની શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે જબરદસ્ત છલાંગ લગાવી છે અને ત્યાં પણ 35 ટકા સુધી મતો પહોંચવા લાગ્યા છે, પણ ત્યાંથી આગળ વધવું મુશ્કેલ છે. બીજું સંજોગો આકાર લઇ રહ્યા છે, તે પ્રમાણે બંગાળમાં પણ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે થઈ શકે છે. તે પછી માત્ર ડાબેરી પુરતો સવાલ રહ્યો, પણ આગળ જતા ચાર રાજ્યોના પરિણામોમાં (રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, મિઝોરમ) ભાજપ ફરી મજબૂતી સાથે સરકારો બનાવી લેશે તો ડાબેરીએ પણ સ્ટ્રેટેજિક રીતે લોકસભા પૂરતું બંગાળમાં ભાજપને ફાયદો થાય તેવું કરતાં અટકવું પડશે. કૈરાનાના બેઠકોથી સ્થિતિ સ્પષ્ટ થવા સાથે આ પ્રકારની સુક્ષ્મ ગણતરીના સવાલો પણ ઊભા થયા છે. બધા જ મુખ્ય રાજકીય પક્ષોએ તેના વિશે વિચારવું પડે તેમ છે અને તેથી જ સૌથી વધુ ચર્ચા કૈરાના બેઠકની થઈ છે.