મુંબઈમાં 6 કરોડનું કોકેન પકડાયું; બે વિદેશીની ધરપકડ

મુંબઈ – એન્ટી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ મુંબઈમાં એક હજાર કિલોગ્રામનું કેફી પદાર્થ કોકેન જપ્ત કર્યો છે અને બે વિદેશી નાગરિકની ધરપકડ કરી છે.

અધિકારીઓએ ગયા શનિવારે પાકી બાતમી મળ્યા બાદ અંધેરી (વેસ્ટ)ના અંબોલી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે નાઈજિરીયન વ્યક્તિને ઝડપીને એમની પાસેથી કોકેનનો જથ્થો કબજે કર્યો હતો.

વિદેશી બજારમાં આ કોકેનની કિંમત રૂ. 6 કરોડ, 3 લાખની થાય છે.

અધિકારીઓએ કેફી પદાર્થના જથ્થા સાથે ડ્રગ્સના બે દાણચોરની ધરપકડ કરી છે જેઓ નાઈજિરિયન નાગરિક છે. એકનું નામ ડેનિયલ એઝિક (38) છે અને બીજાનું નામ જોન જેમ્સ ફ્રાન્સિસ (35) છે.

પોલીસનું કહેવું છે કે જપ્ત કરાયેલું કોકેન હાઈએસ્ટ ક્વાલિટીનું છે.

બંને નાઈજિરીયન નાગરિક કોકેન વેચવા માટે આવી રહ્યા હોવાની એન્ટી-નાર્કોટિક્સ વિભાગના બાન્દ્રા એકમના અધિકારીઓને પાકી બાતમી મળી હતી.

આ કોકેનની મુંબઈમાં ભદ્ર વર્ગના લોકોને તેમજ હાઈપ્રોફાઈલ વ્યક્તિઓની પાર્ટીઓમાં ડિલિવરી કરવામાં આવનાર હતી.

બંને વિદેશી નાગરિક આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને મુંબઈમાં કોણ એ ખરીદવાનું હતું એ બધી માહિતી પોલીસ એકઠી કરી રહી છે.

પોલીસ સહાયક કમિશનર શિવદીપ લાંડેના માર્ગદર્શન હેઠળ એન્ટી-નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ આ દરોડો પાડ્યો હતો.