કૌભાંડઃ મહારાષ્ટ્રના નાયબ-CM પવારની શુગર મિલ જપ્ત

મુંબઈઃ કેન્દ્ર સરકારની ઈકોનોમિક ઈન્ટેલિજન્સ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રૂ. 25,000 કરોડની સંડોવણીવાળા મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેન્ક (MSCB) કૌભાંડ કેસના સંબંધમાં સાતારા જિલ્લામાં આવેલી એક શુગર મિલની રૂ. 65.75 કરોડની કિંમતની સંપત્તિઓને જપ્ત કરી છે. આ મિલ સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવાર સંકળાયેલા હોવાનું કહેવાય છે.

ઈડી એજન્સીએ એક અખબારી યાદીમાં જાણ કરી છે કે તેણે સાતારા જિલ્લાના ચિમનગાંવમાં આવેલા જરંડેશ્વર સહકારી શુગર કારખાના (SSK)ની જમીન, મકાન, પ્લાન્ટ અને મશીનરી સહિત પ્રોપર્ટીઓ જપ્ત કરી છે. આ મિલકતો હાલ મેસર્સ ગુરુ કોમોડિટી સર્વિસીસ પ્રા.લિ.ના નામે છે અને મેસર્સ જરંડેશ્વર શુગર મિલ્સ પ્રા.લિ.ને લીઝ પર આપી છે. મેસર્સ સ્પાર્કલિંગ સોઈલ પ્રા.લિ. કંપની આ શુગર મિલ કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે. તપાસ પરથી માલૂમ પડ્યું છે કે સ્પાર્કલિંગ સોઈલ કંપની અજિત પવાર અને એમના પત્ની સુનેત્રા સાથે સંકળાયેલી છે. ઈડી એજન્સીએ એમ પણ કહ્યું છે કે તપાસ દરમિયાન એને જાણવા મળ્યું હતું કે MSCBએ 2010માં SSKનું નિશ્ચિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર સાવ સસ્તી કિંમતે લિલામ કરી દીધું હતું. એ વખતે MSCBના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક સભ્યપદે અજિત પવાર હતા. તે શુગર કારખાનાને ગુરુ કોમોડિટી સર્વિસીસ કંપનીએ ખરીદ્યું હતું અને તત્કાળ જરંડેશ્વર શુગર મિલ્સ કંપનીને લીઝ પર આપી દીધું હતું, જે આજ સુધી કારખાનાનું સંચાલન કરે છે. SSKને ખરીદવા માટે જે ભંડોળનો ઉપયોગ કરાયો હતો તે જરંડેશ્વર શુગર મિલ્સમાંથી મેળવાયું હતું, જે જરંડેશ્વરને સ્પાર્કલિંગ સોઈલ પાસેથી મળ્યું હતું. સ્પાર્કલિંગ કંપની અજિત પવાર અને એમના પત્નીની છે.