મહારાષ્ટ્રમાં મુસ્લિમોના આરક્ષણ પર ઘમસાણ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુસ્લિમ આરક્ષણને લઈને હાજી અલી દરગાહના ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ મોટું નિવેદન કર્યું છે. ખંડવાનીએ કહ્યું હતું કે રાજ્યમાં મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં પાંચ ટકા આરક્ષણ નથી જોઈતું. જો મુસલમાનો હિત ઇચ્છો છો તો ભારતીય બંધારણના દાયરામાં રહીને મુસ્લિમોને આરક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. આ બાબતે મુસ્લિમ સમાજના નેતાઓ અને સમાજસેવકો તરફથી તરફેણમાં અને વિરોધમાં પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કેટલાક મુસ્લિમ નેતાઓએ આરક્ષણને લઈને ખંડવાનીના નિવેદનને વ્યક્તિગત મત ગણાવ્યો હતો.

ખંડવાનીએ કહ્યું હતું કે જ્યારે 50 ટકાથી વધુ આરક્ષણ ન થઈ શકે તો મુસ્લિમોને પાંચ ટકા આરક્ષણનાં સપનાં બતાવવા ન જોઈએ. મુસ્લિમ સમાજને નિયત 50 ટકા આરક્ષણની અંદર તેમનાં હિતોમાં વ્યવસ્થા કરી દેવી જોઈએ. એના પર સરકારે વિચારવિમર્શ કરવો જોઈએ અન  કોઈ પણ પ્રકારે મુસ્લિમ સમાજના ઉદ્ધાર માટે 50 ટકા આરક્ષણની અંદર કરી શકાય છે. એના પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ સમાજે પાંચ ટકા આરક્ષણને લઈને ઊર્જા અને સમય બગાડવા કરતાં કોઈ પણ રીતે 27 ટકા ઓબીસી આરક્ષણમાં હિસ્સો મળે.

રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન મોહમ્મદ આરિફ નસીમ ખાને કહ્યું હતું કે પાંચ ટકા આરક્ષણને લઈને એ ખંડવાનીનો વ્યક્તિગત મત છે. કોંગ્રેસની સરકારે વર્ષ 2014માં મુસ્લિમ સમાજ માટે આરક્ષણની જોગવાઈ કરી હતી. મુસ્લિમ સમાજના આરક્ષણને લઈને હાઇકોર્ટે પણ મંજૂરી આપી હતી. મુસ્લિમોને ધર્મને આધારે નહીં પછાતપણાને આધારે આરક્ષણ અપાયું હતું.

માનખુર્દ શિવાજીનગરના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીએ કહ્યું હતું કે અમે  આર્થિક રીતે પછાતને આધારે મુસ્લિમ સમાજની દરેક જાતિ માટે આરક્ષણની માગ કરી રહ્યા છીએ.