મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈ મહાનગરમાં નૈઋત્યનું ચોમાસું 11 જૂન સુધીમાં બેસશે. સામાન્ય રીતે દર વર્ષે 10 જૂનથી મુંબઈમાં ચોમાસું બેસી જતું હોય છે. અગાઉ એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી કે આ વર્ષે મુંબઈમાં ચોમાસું ત્રણ-ચાર દિવસ વહેલું બેસશે, પરંતુ પવનની ગતિમાં ફેરફારો થવાથી ચોમાસું નિર્ધારિત તારીખ કરતાંય એક દિવસ મોડું બેસવાની ધારણા છે. હાલ મુંબઈનાં રહેવાસીઓ દિવસ-રાત અતિશય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મુંબઈ પરના આકાશમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. ચોમાસું પહેલાં ગોવા અને કોંકણ પટ્ટાવિસ્તારમાં આવશે અને ત્યારપછી મુંબઈમાં આગમન કરશે. કર્ણાટકમાં ચોમાસું બેસી ગયું છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરનું પણ કહેવું છે કે મુંબઈમાં ચોમાસા-પૂર્વેની સ્થિતિ સર્જાવાનું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આરંભે વરસાદ ધોધમાર રીતે નહીં, પરંતુ ધીમી ગતિએ પડશે.
