મુંબઈઃ પડોશના ઠાણે જિલ્લાના મીરા-ભાયંદર મતવિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય અને મીરા-ભાયંદર શહેરનાં ભૂતપૂર્વ મેયર ગીતા જૈન નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપીને ગઈ કાલે ભાયંદર પાછાં ફર્યાં ત્યાં જ એમને મોટો આંચકો લાગ્યો હતો. એમનાં અનેક ઓળખીતાંઓએ એમને ધડાધડ ફોન કર્યાં હતાં અને પૂછ્યું હતું કે એવું તે શું કારણ આવી પડ્યું છે કે તમારે પૈસાની ઓચિંતી જરૂર પડી છે? જૈનને આંચકો લાગ્યો હતો કે એમણે તો કોઈની પાસેથી પૈસા માગ્યાં નથી. તપાસ કરતાં એમને જાણવા મળ્યું હતું કે કોઈક સાઈબર ઠગે એમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને એમનાં ઓળખીતાઓને ફોન કર્યા હતા અને પોતાને એક કૂરિયર કંપનીના એક્ઝિક્યૂટિવ તરીકે ઓળખાવ્યો હતો.
જૈને તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જૈનનાં અંગત સહાયક રાજેશ બરકડેએ પોલીસને કહ્યું કે જૈનનાં નંબર પરથી પોતાને એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતે એક કૂરિયર કંપનીમાંથી બોલે છે અને ગીતા જૈનને માટે એક પાર્સલ આવ્યું છે, પણ ડિલિવરી બોયને સરનામું શોધવામાં તકલીફ પડી છે. શખ્સે બરકડેને એક ફોન નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તમે જૈનનાં ફોન પરથી *401* કોડ ટાઈપ કરીને ડાયલ કરો. (વાસ્તવમાં, *401* કોડ વોટ્સએપ છેતરપિંડી માટે વપરાતો હોય છે)
બરકડેએ પેલા શખ્સે કહ્યું એમ કર્યું અને 15 મિનિટમાં જ ગીતા જૈન એમનાં મોબાઈલ ફોન પર એમનાં વોટ્સએપ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થયાં હતાં અને સાઈબર ઠગે તે એકાઉન્ટને એક્સેસ કરી જૈનનાં ઓળખીતાંઓને ફોન કર્યા હતા અને QR કોડ મોકલી 40,000-50,000 રૂપિયા મોકલવા એમને કહ્યું હતું. પોતે જ ગીતા જૈન છે એવી છાપ તે શખ્સે ઊભી કરી હતી. એણે એવો દાવો કર્યો હતો કે, હું (ગીતા જૈન) એક મુસીબતમાં ફસાઈ ગઈ છું. પરંતુ, એકેય ઓળખીતા એ ઠગની ચાલાકીથી છેતરાયા નહોતા. બરકડેએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા-2000 હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ગીતા જૈને તરત જ એક વીડિયો મેસેજ તૈયાર કરી એમનાં તમામ ઓળખીતાઓને હેકિંગ પ્રકરણથી વાકેફ કર્યાં હતાં.