મુંબઈના બાન્દ્રામાં MTNLની ઈમારતમાં ભીષણ આગ; 80થી વઘુને બચાવી લેવાયા

મુંબઈ – શહેરના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સરકાર હસ્તકની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) કંપનીના 9-માળના બિલ્ડિંગમાં આજે બપોરે ભીષણ આગ લાગતાં વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

આગની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડના જવાનો 14 ફાયરએન્જિન્સ અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ઈમારતની અંદર 100 જેટલા લોકો ફસાયા હોવાનું કહેવાતું હતું.

બચાવ કામગીરી તરત હાથ ધરીને ફાયર બ્રિગેડ, પોલીસ અને મહાનગરપાલિકાના જવાનોએ સાંજે 7.30 વાગ્યા સુધીમાં 84 જેટલા લોકોને તો બચાવી લીધા હતા.

આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું કહેવાય છે.

આગને બુઝાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે નવા ઈન્ટ્રોડ્યૂસ કરેલા રોબોટની મદદ લીધી છે. રોબોફાયર સિસ્ટમને એક ઓપરેટર દ્વારા રીમોટ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે.

એમટીએનએલ ઓફિસ બિલ્ડિંગની બાજુમાં જ અગ્નિશામક દળ કેન્દ્ર તેમજ મહાનગરપાલિકાની ઓફિસ આવેલી છે. એટલે બચાવ કામગીરી તત્કાળ હાથ ધરી શકાઈ હતી.

આગ લગભગ બે માળ સુધી ફેલાતાં એના ધૂમાડાનાં ગોટેગોટા આકાશમાં જતાં બાન્દ્રા પરિસરમાં દૂરથી પણ જોઈ શકાતા હતા.

આગને કારણે એસ.વી. રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

એમટીએનએલ બિલ્ડિંગની બાજુમાં જ અંજુમન-એ-ઈસ્લામ શાળા આવેલી છે. આગનાં ધૂમાડા શાળાની ઈમારતમાં પણ ફરી વળતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એ વખતે શાળામાં આશરે 1,200 જેટલા વિદ્યાર્થીઓ હતા. એમને બહાર કાઢી શાળાને તત્કાળ ખાલી કરી દેવામાં આવી હતી.